ગુજરાતમાં સાયબર ગુનાખોરીના ક્ષેત્રે મોટો ખુલાસો થયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યના રાજકોટ, વડોદરા, વલસાડ અને અમદાવાદમાં કુલ ચાર મોટા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ સામે આવ્યા છે. ચારેય કેસમાં આરોપીઓ દ્વારા એકસરખી પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
આ ચાર કેસમાંથી ત્રણ કેસમાં સિનિયર સિટીઝનને નિશાન બનાવવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા ૮ થી ૧૦ લોકોના ગ્રુપ બનાવી, શેરબજાર અને વધારે નફાની લાલચ આપી રોકાણ માટે ઉશ્કેરવામાં આવતા હતા. સોશિયલ મીડિયા, વોટ્‌સએપ અને યૂટ્યૂબ લિંક દ્વારા લોકો સાથે સંપર્ક સાધવામાં આવતો હતો.
અમદાવાદમાં સિનિયર સિટીઝન સાથે ૩ કરોડ ૯૦ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયું હતું. આ રકમ થરાદ સ્થિત બંધન બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી. પોલીસે આ કેસમાં બે આરોપી અને તેમના બે ઓપરેટરની ધરપકડ કરી છે. ખાતાની તપાસ દરમિયાન ૩૦થી વધુ અરજીઓ મળી આવી છે અને અત્યાર સુધી ત્રણ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ કુલ ૧૧ કરોડ ૮૩ લાખ રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનંા ખુલ્યું છે.
એસપી વિવેક ભેડાએ વધુમાં જણાવ્યું કે ચારેય આરોપીઓના એકાઉન્ટ સામે ૪૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે. તપાસમાં ખુલ્યું છે કે આ નેટવર્ક દ્વારા કુલ ૪૬૦ કરોડ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું છે. આરોપીઓએ ‘રોક કિર્ક’ નામની એપ્લીકેશન મારફતે લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા.
વલસાડમાં થયેલા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ફરિયાદીએ યૂટ્યૂબ પર શેરબજારની જાહેરાત જાઈ હતી. વારંવાર વીડિયો જાવાના કારણે સંપર્ક નંબર મળ્યો અને ત્યારબાદ આરોપીઓએ વાતચીત શરૂ કરી. આ રીતે ૨ કરોડ ૫૨ લાખ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું. પોલીસ દ્વારા ૨૯ લાખ રૂપિયા બચાવવામાં આવ્યા છે. એક ખાતામાં ૬૦ લાખ રૂપિયા જમા થયા હતા. ત્રણ વ્યક્તિઓના જાઈન્ટ એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. આ કેસમાં મહારાષ્ટ્રના રહેવાસી આરોપીની ઘરપકડ કરવામાં આવી છે. કુલ ૨૦ અરજીઓ અને ૭ એફઆઇઆર નોંધાઈ છે. આ કેસમાં કુલ ૭ કરોડ ૭૪ લાખ રૂપિયાનું ફ્રોડ સામે આવ્યું છે.
અમદાવાદમાં ત્રીજા કેસ સિનિયર સિટીઝન સાથે થયો છે, જેમાં વોટ્‌સએપ લિંક મારફતે ૨ કરોડ ૩૨ લાખ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું. ફરિયાદીએ તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઇન પર સંપર્ક કરતા ૩૨ લાખ રૂપિયા પરત મળ્યા છે. પોલીસને એક એવું ખાતું મળ્યું છે જેમાં ૫૩ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આરોપી અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ખાતા સામે ૨૦ અરજીઓ અને ૨ ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં ૮ કરોડ ૪૫ લાખ રૂપિયાનું ફ્રોડ સામે આવ્યું છે. વોટ્‌સએપ લિંક મોકલનારાની તપાસ ચાલુ છે.
રાજકોટમાં થયેલા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બિઝનેસમેનને નિશાન બનાવવામાં આવ્યા હતા. વોટ્‌સએપ લિંક મોકલીને ૨૬ કરોડ ૬૬ લાખ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું. પોલીસે લિંક મોકલનારા સામે ફરિયાદ દાખલ કરી છે. અગાઉ બે આરોપીની ઘરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. બે એકાઉન્ટ હોલ્ડર સામે ૭ એફઆઇઆર અને ૧૨૮ અરજીઓ નોંધાઈ છે. આ કેસમાં કુલ ૯ આરોપીઓએ ૮૯ કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. એસપી વિવેક ભેડાએ જનતાને અપીલ કરતા જણાવ્યું કે, સોશિયલ મીડિયા, યૂટ્યૂબ કે વોટ્‌સએપ પરથી મળતી ઇન્વેસ્ટમેન્ટ લિંક પર વિશ્વાસ ન કરવો. કોઈપણ શંકાસ્પદ કોલ, મેસેજ કે લિંક મળે તો તરત ૧૯૩૦ સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવ્યું છે.