રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડીને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં હજી આવી જ ઠંડી રહેવાની શક્યતા હોવાનું વિભાગે જણાવ્યું છે.
આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.એ કે દાસના જણાવ્યા મુજબ રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં નલિયામાં સિઝનનું સૌથી ઓછું ૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જાકે આ તાપમાન ઘટવાની શક્યતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ ઉત્તર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાયા હોવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. જાકે આ ઘટાડો ૨૪ કલાક યથાવત રહી શકે તેમ લાગી રહ્યું છે. આ સિવાય રાજ્યનાં ચાર મહાનગરોમાં પણ ઠંડીનું જાર યથાવત્ રહ્યું હતું. જેમાં અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨.૧ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ તો રાજકોટમાં આ સિઝનનો સૌથી ઓછું ૭.૩ ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં ૧૫.૫ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં ઠંડી ચમકારો જાવા મળ્યો છે, જેના પગલે ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી. સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જાકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્યપ્રેમી એવા મોર્નીગ વોકર્સ ગેલમાં આવી ગયા છે. મોર્નીગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેકટીસની સાથે આરોગ્યપ્રદ પીણાંની જ્યાફત માણી રહ્યા છે.