રાજ્યમાં દર બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળે છે. આજે પણ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી. આજે મળેલી બેઠકમાં રાજ્યમાં ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની સ્થિતિ ની સમીક્ષા તેમજ કેન્દ્ર સરકાર સાથે થઈ રહેલા સંકલન તથા સૂચનો પર સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત રાજ્યમાં આગામી દિવસોમાં રજૂ થનારા સરકારી વિધેયકો પર થશે ચર્ચા યોજાઈ હતી.
આ બેઠકમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી તથા બટાકાના ભાવો બાબતે ખેડૂતોની મળેલી રજૂઆતની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જા કે આ બેઠકમાં રાજ્યમાં ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની વર્તમાન સ્થિતિ ની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી તે મુદ્દો મહત્વનો માની શકાય. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા સંકલન અને સૂચનો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આજની બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ મંત્રીઓ અને અધિકારીઓને ગેસ અને પાણીના પુરવઠા અંગે સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી છે.
બેઠકમાં મુખ્યમંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો કે ગુજરાતમાં ગેસનો જથ્થો કોઈપણ સંજાગોમાં ખોરવાય નહીં તે મુજબનું સુદ્રઢ આયોજન કરવામાં આવે. આ માટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અને અધિકારીઓને કેન્દ્રીય એજન્સીઓ તથા ગેસ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવાયું છે.
મહત્વનું છે કે, વર્તમાન સમયમાં રાજ્યમાં વધતી જતી ગરમીની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પાણીના વ્યવસ્થાપન અંગે પણ મહત્વના આદેશો આપ્યા હતા. જે અંગે સૂચના આપી છે કે, રાજ્યના નાગરિકોને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને પણ પૂરતું પાણી મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં તાકીદ કરી છે. આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારી અને મંત્રીઓને ગેસ – પાણી અંગે સ્પષ્ટ સૂચના આપી છે.








































