નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ ગુજરાત સરકારે ખનીજ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્યભરમાં ગેરકાયદેસર ખનીજ ખનન, પરિવહન અને ઓવરલોડ વાહનો સામે હવે કોઈ ઢીલાશ નહીં રહે. આ નવા નિયમો અનુસાર, એક વખત ગેરરીતિમાં પકડાયેલું વાહન ઓછામાં ઓછા 30 દિવસ સુધી જપ્ત રહેશે અને ત્રણ વખત આવી ગેરરીતિ કરતું પકડાય તો વાહન રાજ્યસાત (સરકારની માલિકી) થઈ જશે. અત્યાર સુધીની વ્યવસ્થા અનુસાર, ડમ્પર, ટ્રક, ટ્રેક્ટર જેવા વાહનો ગેરકાયદે ખનીજ વહન કે ઓવરલોડ માટે પકડાય તો ફક્ત દંડ ભરીને છૂટી જતા હતા. આ પછી પણ તે જ વાહનો ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થઈ જતા હતા. હવે આ પુરાણી સિસ્ટમને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ગંભીર ગેરરીતિમાં પકડાયેલા વાહનને ઓછામાં ઓછા 30 દિવસ સુધી જપ્ત રાખવામાં આવશે. આ દરમિયાન કોઈ સમાધાન કે છૂટછાટ નહીં મળે. વાહન જપ્ત થયાના પ્રથમ 10 દિવસ સુધી કોઈ અરજી સ્વીકારવામાં નહીં આવે. 30 દિવસ દરમિયાન વાહનની માલિકી, ઓળખ, ગુનાહિત ઇતિહાસ અને અન્ય તમામ વિગતોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ સમાધાન કે અન્ય નિર્ણય લેવાશે. જો કોઈ વાહન ત્રણ વખત ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પકડાય તો તેને રાજ્યસાત કરી દેવાશે, એટલે કે વાહન સરકારની માલિકીમાં આવી જશે. આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોવી, નકલી નંબર પ્લેટ લગાવવી કે વાંચી ન શકાય તેવી પ્લેટ હોવી. વાહનમાં જીપીએસ ન હોવું અથવા જાણીજોઈને બંધ રાખવું. નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ (ઓવરલોડ) ખનીજ ભરેલું હોવું. રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલણ વગર ખનીજની હેરાફેરી કરવી. ખનીજ વિભાગે આ બાબતોને ગંભીર ગેરરીતિ ગણી છે. ગત વર્ષે ડિસેમ્બર 2025થી જ ખનીજ પરિવહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા વાહનનું રિયલ-ટાઇમ લોકેશન, રૂટ અને રોકાણની માહિતી મેળવી શકાશે. જીપીએસમાં છેડછાડ કરનારા પર પણ કડક કાર્યવાહી થશે, જેમાં રોયલ્ટી પાસ બંધ કરવાનો સમાવેશ થાય છે.









































