ગીર સોમનાથ LCB “ડિજિટલ એરેસ્ટ” નામે સાયબર ફ્રોડ આચરી આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરનાર ચાર આરોપીઓને મધ્યપ્રદેશના ભોપાલ અને વિધીશા જિલ્લામાંથી ઝડપી પાડ્‌યા છે. આ કેસમાં વેરાવળની એક પરણીતાએ રૂપિયા ૧.૧૫ લાખ ગુમાવ્યા બાદ બ્લેકમેઈલિંગથી કંટાળી આત્મહત્યા કરી હતી. પોલીસે આરોપીઓને વેરાવળ લાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ વેરાવળમાં બની હતી. પૂજાબેન ચોલેરા નામના પરણીતાને એક અજાણ્યા નંબર પરથી વોટ્‌સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખાવી “પાર્સલ કેસ“ માં પરિવાર ફસાઈ જશે તેવી ધમકી આપી હતી. આરોપીએ પૂજાબેનને “ડિજિટલ એરેસ્ટ” ના નામે ખોટી કાર્યવાહી બતાવી QR કોડ મારફતે રૂપિયા ૧,૧૫,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.