અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ટેક્સની ઐતિહાસિક આવક થઈ હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષે ટેક્સ ખાતાની આવક રૂ- ૨૩૭૩.૧૭ કરોડ જેટલી થઈ છે, જે કોર્પોરેશનના ઈતિહાસમાં એક વર્ષમાં થયેલી સૌથી વધુ આવક છે. ગતવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ટેક્સની આવકમાં રૂ ૧૧૯.૦૩ કરોડની નોંધપાત્ર વધારો થયો છે. કોર્પોરેશનની ચાલુ વર્ષે સૌથી વધુ આવક પ્રોપર્ટી ટેક્સની રૂ ૧૮૩૩.૨૪ કરોડની થઈ છે. જ્યારે પ્રોફેશનલ ટેક્સની રૂ ૨૭૪.૭૯ કરોડ, વ્હીકલ ટેક્સની રૂ ૨૩૮.૮૭ કરોડ અને ટ્રાન્સફર ફીની રૂ ૨૬.૨૭ કરોડની આવક થઈ છે. ૩૧ માર્ચે કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ ૪૦ કરોડની આવક થઈ હતી અને રાત સુધીમાં તેમાં રૂ ૫ કરોડનો વધારો થવાનો અંદાજ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેની ટેક્સની આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કુલ આવક રૂ ૨૩૭૩.૧૭ કરોડ સુધી પહોંચી છે. ગયા વર્ષની રૂ ૨૨૫૪.૧૫ કરોડની સરખામણીએ આ વર્ષે રૂ ૧૧૯.૦૩ કરોડનો નોંધપાત્ર વધારો નોંધાયો છે, જે કોર્પોરેશન માટે આર્થિક રીતે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. ચાલુ વર્ષે કોર્પોરેશનને ટેક્સની આવક થઈ છે તે કોર્પોરેશનના ઈતિહાસમાં એક વર્ષમાં થયેલી સૌથી વધુ આવક છે.
આવકના મુખ્ય સ્ત્રોતોમાં પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશન ટેક્સ અને વાહન ટેક્સનો સમાવેશ થાય છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ દ્વારા સૌથી વધુ રૂ ૧૮૩૩.૨૪ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જ્યારે પ્રોફેશન ટેક્સ રૂ ૨૭૪.૭૯ કરોડ અને વાહન ટેક્સ રૂ ૨૩૮.૮૭ કરોડ સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત ટીએસએફ ચાર્જીસથી રૂ ૨૬.૨૭ કરોડ મળતા કુલ આવક રૂ ૨૩૭૩.૧૭ કરોડ સુધી પહોંચી છે. ગતવર્ષની સરખામણી કરીએ તો, ગતવર્ષે પ્રોપર્ટી ટેક્સની રૂ ૧૭૪૫.૬૧ કરોડની આવક, પ્રોફેશનલ ટેક્સની રૂ ૨૭૦.૧૫ કરોડ અને વ્હીકલ ટેક્સની રૂ ૨૨૪.૮૪ કરોડની આવક હતી. જ્યારે ટ્રાન્સફર ફીની રૂ ૨૧.૯૪ કરોડ સાથે કુલ શ્ ૨૨૫૪.૧૫ કરોડની આવક થઈ હતી.
એએમસી દ્વારા અમલમાં મુકાયેલી રિબેટ યોજના પણ આવક વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન અમલમાં રહેલી આ યોજના અંતર્ગત સમયસર ટેક્સ ભરનારા કરદાતાઓને જુની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલાની વ્યાજની રકમમાં ૫૦ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીનું રિબેટ આપવામાં આવ્યું હતું. આ યોજનાનો લાભ લઈ આશરે ૩.૦૧ લાખ કરદાતાઓએ ટેક્સ ભર્યો હતો, જેના પરિણામે ૫૧૨.૩૭ કરોડની ગ્રોસ આવક થઈ હતી. આ સ્કીમ દરમિયાન કરદાતાઓને રૂ ૪૮.૩૯ કરોડની વ્યાજ માફી આપવામાં આવી હતી. જેથી સ્કીમ દરમિયાન કોર્પોરેશનને કુલ રૂ ૪૬૩.૯૮ કરોડની નેટ આવક થઈ હતી. પ્રોપર્ટી ટેક્સની ઝોન મુજબ આવક જાવામાં આવે તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ ૪૧૧.૦૮ કરોડની આવક નોંધાઈ છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોન રૂ ૩૯૯.૮૭ કરોડ સાથે બીજા ક્રમે છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રૂ ૨૫૯.૪૨ કરોડ, મધ્ય ઝોનમાં રૂ ૨૪૭.૫૧ કરોડ, ઉત્તર ઝોનમાં રૂ ૧૪૮.૨૩ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ ૧૬૦.૬૫ કરોડ, પુર્વ ઝોનમાં ૨૦૬.૪૮ કરોડની આવક થઈ છે. એએમસી દ્વારા ટેક્સ વસૂલાત વધારવા માટે વિવિધ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. વર્ષ દરમિયાન કુલ ૨,૪૯,૯૬૫ મિલ્કતોને નોટિસ આપવામાં આવી હતી, જેમાંથી ૮૦૭ મિલ્કતો સીલ કરાઈ અને ૨૧૮ મિલ્કતો સામે જપ્તી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.









































