મિત્રો આજે મારે એક વાસ્તવિક પ્રસંગની વાત કરવી છે. અમે ત્રણ ચાર મિત્રો દ્વારકા જઈ રહ્યા હતા ત્યાં અમે રસ્તામાં પોરબંદર ચા પીવા અમારી ગાડી ઉભી રાખી હતી.
હું ચા પીને પરત અમારી ગાડીએ આવ્યો તો ત્યાં એક ૮ વર્ષનો બાળક થેલીમાં કેમિકેલની બોટલ લઇને ઉભો હતો અને મારી સામે નજર કરીને કીધું કે ” સાહેબ ગાડીનો કાચ સાફ કરી દઉં ? આજે બોણી નથી થઇ ..
મેં એને ના પાડી કે જરૂર નથી. પછી મને એવો વિચાર આવ્યો કે આટલી નાની ઉમરમાં આ છોકરો કાંઈક મહેનત કરીને પૈસા કમાય છે બીજા છોકરાઓની જેમ ભિખ નથી માંગતો. આ વાતનો મને આનંદ થયો એટલે મેં એને તરત જ હા પાડી દીધી કે હા કાચ સાફ કરી દે એટલું કહેતા તો એ રાજી થઇ ગયો..
પછી મને કહે, સાહેબ કાચ જો બરાબર સાફ ના કરું તો પૈસા ના આપતા બસ ..!!
પછી એણે કાચ સાફ કરવાનું ચાલુ કર્યું પણ હું તો એની સામે જ જોઈ રહ્યો હતો કે કેટલી સ્ફૂર્તિથી એણે કામ કરવાનું ચાલુ કર્યું. એણે ખૂબ સરસ કાચ સાફ કરી દીધો.
મેં એને પૂછ્યું કે હવે કેટલા પૈસા આપું તો મને કહે જે આપવું હોય તે આપી દો ને…
મેં એને ૨૦ રૂપિયા આપ્યા તો મને કહે તમે ૧૦ રૂપિયા જ આપો..૨૦ રૂપિયા નહિ…
થોડી રકઝક કર્યા પછી એને મેં કીધું કે લઇ લે અને કાંઈક ખાઈ લેજે..
તો મને કહે સાહેબ મને તો ભૂખ નથી પણ કોક ભુખ્યું હોય એને ખવરાવી દેજો..
મિત્રો વાતનો પ્રાણ તો હવે આવે છે.
મને કહે હું કંઈ મારી ભૂખ માટે આ કાચ નથી સાફ કરતો..!!
હું તો કબૂતરને રોજ દાણા નાખી શકું એટલે આ કામ કરું છું અને હમણાં હું ૫૦ રૂપિયા કમાઈ લઇશ અને પછી ૫૦ રૂપિયાના દાણા લઇને કબૂતરને નાખી દઈશ ..!!
આ વાત સાંભળીને હું તો અવાચક જ થઇ ગયો. ધન્ય છે તારી જનેતાને. આવી જનેતા તો ભારતમાં જ હોઈ શકે. કારણ કે આ ધરતીનો ઇતિહાસ છે કે, જેમાં કોઈને કંઈક આપીને માનવી આનંદ લે છે. સો સો સલામ આમની ખાનદાનીને. આવો સૌ સાથે મળી આવી જ રીતે કાર્ય કરતા તમામને યથાશક્તિ મદદ કરીએ અને આપણે પણ આવી ભારતની ખાનદાની યુક્ત કાર્ય કરીએ. વંદેમાતરમ
bhayanijr5126@gmail.com