લાખો લેઉવા પાટીદારોની કુળદેવી કાગવડ સ્થિતિ  જગપ્રસિદ્ધ ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૯ વર્ષ પૂર્ણ થયા છે. આ મંગલ અવસરે આયોજિત ‘કન્વીનર મિટિંગ’માં એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની ઘોષણા કરીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.
અનાર પટેલે સમાજના તમામ વર્ગોને એક થવા આહ્વાન કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “નરેશભાઈ પટેલે ‘માં ખોડલની ભકિત  અને એકતાની શકિત ‘ના મંત્ર સાથે જે મશાલ જલાવી છે, તેને આપણે આગળ વધારવાની છે. નરેશ પટેલની ટીકા કરવાને બદલે તેમને ટેકો આપો, જેથી આપણે ઈતિહાસ રચી શકીએ.”
પોતાની નિમણૂક બાદ અનાર પટેલે મંચ પરથી અત્યંત ઓજસ્વી અને ભાવુક સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સમાજની એકતા અને નરેશ પટેલના નેતૃત્વ પર ભાર મુક્યો  હતો. નવનિયુક્ત અધ્યક્ષ અનાર પટેલે પોતાના પ્રથમ પ્રવચનમાં નરેશ પટેલનો આભાર માનતા જણાવ્યું હતું કે, “નરેશભાઈએ મારા પર જે વિશ્વાસ મુક્યો  છે, તેને હું ક્્યારેય ડગવા નહીં દઉં. મને સમાજે ઘણું આપ્યું છે, આજે જે હોદ્દો મળ્યો છે તે માત્ર પદ નથી પણ એક મોટી જવાબદારી છે અને હું તેને પૂરી નિષ્ઠાથી નિભાવીશ.” તેમણે ઉમેર્યું હતું કે, માં ખોડલની ઈચ્છા વગર કાંઈ જ શક્ય  નથી અને નરેશભાઈએ હંમેશા માં ખોડલને જ આગળ રાખીને કાર્ય કર્યું છે.
અનાર પટેલે સમાજની માનસિકતા પર કટાક્ષ કરતા અને નરેશ પટેલની કાર્યક્ષમતાને બિરદાવતા કહ્યું કે, “કહેવાય છે કે ઉછળતા દેડકાઓને તો તોળી શકાય, પણ પટેલોને એકઠા કરવા ખૂબ મુશ્કેલ છે. છતાં પણ નરેશભાઈએ આ અશક્્ય કામ કરી બતાવ્યું છે. તેમણે વિખરાયેલા સમાજને એક તાંતણે બાંધ્યો છે.”
પોતાના સંબોધન દરમિયાન તેમણે પાટીદાર સમાજ માટે કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. પટેલ સમાજ પાસે આજે શકિત , સંપત્તિ અને સાધન બધું જ છે, પરંતુ સાચી તાકાત માત્ર ‘એકતા’માં જ છે. સમાજમાં અલગ-અલગ મંતવ્યો કે મતભેદ હોઈ શકે છે, પરંતુ તે મનભેદમાં ન પરિણમવા જાઈએ. આંતરિક વિખવાદ સમાજને નબળો પાડે છે. આપણે ગમે તેટલા મોટા થઈએ, પણ સમાજથી મોટા નથી. આપણી અસલી ઓળખ આપણા સમાજથી જ છે.
સંગઠનની વાત કરવાની સાથે અનાર પટેલે સામાજિક જવાબદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાવુક સ્વરે અપીલ કરી હતી કે, “પટેલ સમાજના વૃદ્ધ માતા-પિતાને કયારેય વૃદ્ધાશ્રમમાં જવું ન પડે, તે જાવાની જવાબદારી આપણા સૌની છે.” આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખોડલધામના ટ્રસ્ટીઓ, કન્વીનરો અને પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિતિ  રહ્યા હતા અને અનાર પટેલના આ નવા નેતૃત્વને હર્ષભેર વધાવ્યું હતું.