રાખનાં રમકડાં
“આંખો ટાંકીને મને શું જોઇ રહ્યો છે ? કેમ… હું સરસ નથી દેખાતી ? તું તો મારી આવવાની રાહ જ જોઇ રહ્યો હતો ને ? સારૂં, હવે થોડીવાર ખમી જો, પહેલાં તો તારા માટે હું ચા લઇ આવું…. પછી નિરાંતે આપણે બેઉં બજારમાં જઇશું…” આવું અને આટલું બોલી ભાભી તો પાછા ચાલ્યા ગયા અને ચાલ્યા જતાં ભાભીની ખુલ્લી પીઠ પર મહેશની નજર એકધારી મંડાઇ રહી.
થોડીવારમાં તો ભાભી પાછા આવ્યા, સાથે ચા અને નાસ્તો પણ લેતા આવ્યા. મહેશે મનમાં હસતાં હસતાં નાસ્તો પણ કર્યો અને ચા પીધી. આટલું કામ પુરૂં થયું કે તરત જ શાંતુ બોલી: “હવે આપણે જવું છે ને…?”
“હા…. ભાભી, ચાલો જઇએ…” મહેશ ઉભો થતાં બોલ્યો.
“રૂપિયા તો સાથે લીધા છે ને…?”
“ એ તો લેવા જ પડે ને…”
“સારૂં…. ચાલ, આપણાં ઘરેથી માનસી ગિફટ કોર્નર બહુ દૂર નથી, બસ દસ મિનિટમાં તો ચાલતા ત્યાં પહોંચી જઇશું.
મહેશ અને શાંતુ ચાલતા થયા. શાંતુ આગળ ચાલી એટલે રસ્તામાં જ તેણે મહેશને પૂછયું: “ તું તારા ઘરે નથી જવાનો ? ”
“ઘરે તો જવાનો છું, ભાભી… આ શનિ-રવિમાં હું વિસાવદર જઇશ મમ્મી-પપ્પાને મળીશ. મારા પગારના રૂપિયા તેમના ચરણોમાં અર્પણ કરીશ.”
“આ જ સાચું છે, ખૂબ સારૂં કહેવાય, મમ્મી- પપ્પાને તો જિંદગીર ભુલાય જ નહીં, એ તો ઠીક પરંતુ તને મારા માટે ભેટ આપવાનો વિચાર કેમ આવ્યો ? શા માટે તું મને ભેટ – ગિફટ આપવા માંગે છે..?”
“ભાભી…, તમે જરાપણ ખોટું ન લગાડતા, હું તમને સાચું કહું ?”
“ખોટું નહીં લગાડું બસ…, સાચેસાચું કહે…”
“તમે મને ખૂબ ખૂબ ગમો છો. આપણને ગમતી એવી વ્યકિતને ભેટ તો શું… પણ એ જે માંગે તે આપવાનો આનંદ તો કંઇક અલગ પ્રકારનો જ હોય છે. વળી મારી તો આ પહેલી કમાણી છે એટલે સૌ પ્રથમ તમને હું ભેટ કે ગિફટ ન આપું તો બીજા કોને આપું…?” “હું તને ગમું છું… ? ચાલ એ સાચું, પરંતુ તેં મને કયારેય પૂછયું છે કે ભાભી…. હું તમને ગમું છું કે નહીં..? ”
“ એવું કંઇ છોકરાની જાતે પૂછવાનું હોય ? ”
“કેમ..? કેમ ન પૂછાય….?”
“ ન પૂછાય, કારણ કે મને તો પહેલેથી જ ખબર છે કે… તમને તો હું ખૂબ ખૂબ પસંદ છું જ…”
“સાલા…, આવી પણ તને ખબર છે ? ખૂબ ચાલાક છે તું, ચાલ, હવે આપણે ઘરે જઇએ. પછી તને કહીશ કે …તું મને….”
આમ આવી વાતો ચાલતી હતી ત્યાં તો માનસી ગિફટ કોર્નરનો મુખ્ય દરવાજા સામે આવ્યો. જબરદસ્ત સ્ટોરમાં શાંતુ અને મહેશ દાખલ થયા. એ સાથે જરા ઉતાવળે મહેશ બોલ્યો: “ભાભી…, હવે તો કહો કે તમારે શું લેવું છે …?”
“તું બહુ ઉતાવળો છે. બસ… મારે તો એક સારૂં એવું પર્સ જ લેવું છે. પર્સ એટલા માટે લેવું છે કે, તારૂં આપેલું પર્સ હંમેશા મારી સાથે ને સાથે જ રહે. ને પર્સને જાતાં જ તારો ચહેરો યાદ આવે…”
“સારૂં….સારૂં…., ચાલો… તમારી પસંદગીનું પર્સ લઇ લો. પણ હા, એ તો કહો દામલ સર માટે…?”
“તેના માટે તો હું કાંડા ઘડિયાળ લઇશ. કારણ કે તે સમયનો ખૂબ એક્કો છે. આમેય તેને ઘડિયાળ ખૂબ જ ગમે પણ છે એટલે સારી એવી ઘડિયાળ તેના માટે હું લઇશ…”
ગિફટ કોર્નરમાંથી પર્સ અને કાંડા ઘડિયાળની ખરીદી થઇ. બંન્ને વસ્તુનું અલગ અલગ પેકિંગ થયું. બિલના બધા રૂપિયા મહેશે રોકડા ચૂકવી દીધા. પછી ત્યાંથી બન્ને બહાર નીકળ્યા. થોડું ચાલ્યા પછી શાંતુએ મહેશને કહ્યું: “આ બન્ને વસ્તુ તે ખરીદી છે તે ગિફટ કે પ્રેઝન્ટમાં આપવાની કિંમતી વસ્તુ છે તેં તારી ઇચ્છા પ્રમાણે રૂપિયા આપી ખરીદેલ છે. આ ખરીદી કરવામાં હું તારી સાથે હતી તેવું દામલને કહેવાની જરૂર નથી, સમજ્યોને ? બસ આટલું તું યાદ રાખજે…”
“હા ભાભી, હું સમજી ગયો..” મહેશે આગળ કહ્યું: “આ તમારી વાત અગત્યની અને સાચી છે. હું તો એમ જ કહીશ કે, મારા પહેલાં પગારમાંથી તમારા બન્ને માટે યાદગીરી રૂપે… મારા તરફથી.”
(ક્રમશઃ)









































