બગસરાઃ શહેરના શ્રી ગણેશ ડેવલપર્સ નામની ભાગીદારી પેઢી વિરુદ્ધ એક ગ્રાહક સાથે છેતરપિંડી અને ઠગાઈ કર્યાની ગંભીર ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ડેવલપર્સે ફરિયાદીને વેચાણ કરેલી દુકાનનો દસ્તાવેજ ખોટો બનાવી, તેને અન્ય સર્વે નંબરની જમીન પર કબજો આપીને મોટું કૌભાંડ આચર્યું છે.દર્શનભાઇ અશ્વિનભાઇ ખાંદલ (ઉવ.૩૦) એ ગણેશ ડેવલપર્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે’મહાવીર કોમ્પ્લેક્સ’માં થર્ડ ફ્લોર પર આવેલી દુકાન નંબર ્-૧૧ ખરીદી હતી. આ દુકાનનું ક્ષેત્રફળ ૨૩.૭૬ ચો.મી. (૨૫૫.૭૫ ચોરસ ફૂટ) હતું. દુકાનનો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ અનુક્રમ નંબર ૩૯૮/૨૦૧૫ તારીખ ૨૭/૦૫/૨૦૧૫ના રોજ રૂ.૨,૪૦,૦૦૦/- માં કરવામાં આવ્યો હતો. ડેવલપર્સે તેમની પાસેથી દુકાન નંબર ૧૧ પેટે કુલ રૂ.૪,૧૭,૦૦૦/- પૂરા મેળવી લીધા હતા.
દુકાનનો જે વેચાણ દસ્તાવેજ આપવામાં આવ્યો, તે સર્વે નંબર ૫૦૧૫p ની જમીન અંગેનો ખોટો દસ્તાવેજ કરીને આપ્યો. જ્યારે દુકાન નંબર-૧૧નો ભૌતિક કબજો ફરિયાદીને સર્વે નંબર ૫૦૧૮p ની જમીનમાં આવેલી જગ્યા પર આપ્યો હતો. આમ, ડેવલપર્સે ખોટા દસ્તાવેજો આપીને અને ખોટી જગ્યાનો કબજો આપીને ફરિયાદી સાથે ઠગાઈ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પી ડી કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.






































