બેરાજા ગામે ખેતરની ફેન્સીંગમાંથી વીજ શોક લાગતા માલધારી યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જેને લઈને વાડી માલિક સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેરાજા ગામની સીમમાં જગા ડેમની કેનાલની બાજુમાં ઘેટા-બકરા ચરાવતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. વાડી વિસ્તારમાં ખેતરના શેઢે યુવાનને વીજશોક લાગ્યો હતો, જે જીવલેણ નિવડતા પરિવારજનોમાં અરેરાટી મચી છે. બીજી બાજુ ખેતરની ફરતે ફેન્સીંગ લગાવનાર ખેડૂત સામે પોલીસે બેદરકારી દાખવવા અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જામનગરના બેરાજા ગામની સીમમાં તા. ૧૨, સપ્ટેમ્બર ૨૦૨૫ને શુક્રવારે બપોરના આશરે દોઢેક વાગ્યાની આસપાસ બેરાજા ગામે રહેતા ૩૨ વર્ષીય ભુપતભાઇ હરજીભાઇ ઠુંગા નામનો માલધારી યુવાન ઉગમણી સીમમાં જગા ડેમની કેનાલની બાજુમાં આવેલ ગૌચરની જમીનમાં ઘેટા બકરા ચરાવવા ગયો હતો. જ્યાં ઉગમણી સીમમાં જગા ડેમની કેનાલની બાજુમાં આવેલ ગૌચરની જમીનમાં બેરાજા ગામમાં રહેતા કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડે કપાસનું વાવેતર કર્યું હતું. તે ખેતરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.ગૌચરની જમીનમાં કપાસના વાવેતર કરાયા બાદ પાકના રક્ષણ માટે ખેતરના શેઢાની ફરતે ઇલેક્ટ્રીક શોકના વાયર ફીટ કર્યાં હતાં. ઇલેક્ટ્રીક વીજ વાયર દ્વારા ખુલ્લામાં શોર્ટ મુકવાથી માનવ અને પશુ મૃત્યુ અંગે જાણકારી હોવા છતાં આરોપીએ વાયરમાં વીજ શોક ચાલુ રાખ્યો હતો. જેથી વાયરને અકસ્માતે અડકી જતાં ભુપતભાઇ હરજીભાઇ ઠુંગાને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો. જે જીવલેણ નીવડતા તેનું મોત નિપજ્યું છે.હાલ આ સમગ્ર મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ત્યારે પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતકના ભાઈ રમેશભાઇ હરજીભાઇ ઠુંગાની ફરિયાદના આધારે કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ સામે ગુન્હો દાખલ કરી વાડી માલિકની ધરપકડ કરી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.