ગુજરાત વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં બજેટ સત્રમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની વાતો વચ્ચે ચોંકાવનારી હકીકતને લઈને ફરિયાદ ઊઠી છે. ખેડૂતોને યુરિયા ખાતરની ખરીદી સાથે ફરજિયાત નેનો લિક્વિડ ખરીદવાનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠ્યો હતો. આજે પ્રશ્નોત્તરી કાળમાં કૃષિ અને પશુપાલન તેમજ સહકાર વિભાગના પ્રશ્નોની ચર્ચા યોજાઈ હતી.
વિપક્ષ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે સરકાર પ્રાકૃતિક ખેતી અંગે પ્રચાર પ્રસાર કરે છે. પરંતુ રાજ્યમાં યુરિયા ખાતરની ખરીદી સાથે ખેડૂતોને ફરજિયાતપણે નેનો લિક્વિડ યુરિયાની બોટલ આપવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમૃત જી ઠાકોર દ્વારા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ૩૧/૧૨/૨૦૨૨ ની સ્થિતિ એ છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં યુરિયા ખાતરની સાથે નેનો લિક્વિડ યુરિયાની બોટલ ખેડૂતોને પરાણે આપવા અંગે કેટલી ફરિયાદ મળી છે.
આ મુદ્દે સરકારના કૃષિ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ૩૧/૧૨/૨૦૨૨ ની સ્થિતિ એ છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં યુરિયા ખાતરની સાથે નેનો લિક્વિડ યુરિયાની બોટલ ખેડૂતોને પરાણે આપવા અંગે સરકારને કુલ ૪૧ ફરિયાદો મળી હતી. જેમાં કડક કાર્યવાહી અંગે ફરિયાદોના નિવારણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની વિગત આપતા જણાવાયું હતું કે, પ્રાપ્ત થયેલી ફરિયાદો પર જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના અંતે ૨૩ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ૧૨ જેટલા વેચાણ પરવાના (લાઇસન્સ) મોકૂફ કરી દેવામાં આવ્યા છે. સાથે ડયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેવું પણ જણાવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સરકારે વધુમાં સ્પષ્ટતા કરી છે કે ખેડૂતોને ફરજિયાતપણે નેનો લિક્વિડ યુરિયાની બોટલ ન આપવા માટે સૂચનાઓ અને પરિપત્રો જાહેર કરવામાં આવ્યા છે. જા ભવિષ્યમાં આવા કિસ્સાઓ ફરીથી ધ્યાને આવશે, તો જવાબદારો સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.







































