(ગતાંકથી આગળ)
આ ઉપરાંત રજવાડામાં લગ્ન, કુંવરનો જન્મ, કુંવરીના લગ્ન, ગાદી કર, મૃત્યુકર, એમ જુદા જુદા વેરાઓ ફરજિયાત લેવાતા. તે સમયે લેવાતા વેરાઓ જેવાકે વિઘોટી, ખાતાબંધી,હળવેરો, સાંતીવેરો, કળતર, ઉઘડ, ખરાજાત, ઝાંપીવેરો, કામદારની સુખડી, ઢાળિયાનો ખર્ચ, મશવાડી, ચાકડાવેરો, કન્યાકુડી, સાંથવેરો, ખીચડી હક્ક, વજે, સુખડી, કુંવર પછેડો,ધર્માદોવેરો, કુંવરની સુખડી, ચોથ, માંડવીવેરો,
મૂઠીચપટી,ખોળાવેરો, માપલા, ઉપનીવેરો, ચૂલાવેરો, ફારમ, રાજના સભ્યનો મરણ કે જનમવેરો, જારબંદી, જારતલબી,ગાડાવેરો,ઢોરની સંખ્યા પ્રમાણે માથાદીઠ વેરો, પૂંજીવેરો, અને આ સિવાય એવા અનેક વેરાઓનો ભાર પ્રજા માથે નાખવામાં
આવ્યો હતો.
ગામડાના રાજા બની ગિરાસદારી ભોગવતા ગરાસદારોનો જુલમ તો સાવ જુદા પ્રકારનો હતો. તેઓ લોકોને છીંક આવે તો પણ તેની પાસેથી નાણાં પડાવતા. આવા જુલમ સામે ઓગણીસમી સદીમાં બે વ્યÂક્તએ બળવો કર્યો હતો. તેમા પ્રથમ સંવત-૧૮૮૬માં જન્મેલા અમરેલીના પટેલ મેઘજી ધાનાણી હતા. તેમણે ગિરાસદારોને ઝૂકાવ્યા હતા. મેઘજીબાપા ૯૦ વર્ષ જીવ્યા હતા. સંવત-૧૯૭૬મા તેઓ ગુજરી ગયા હતા ત્યારે અમરેલીની પ્રજા ખૂબ રડી હતી. મેઘજીબાપા બહાદુર તો હતા સાથે સાથે ધાર્મિકવૃત્તિના પણ હતા. તેમણે સંવત-૧૯૪૦-૧૯પ૪ અને ૧૯૬રના વરસોમાં ત્રણ મોટા મંડપ કર્યા હતા.
આવા બીજા બહાદૂર અને નીડર હતા. કલુબાઈ રાદડીયા, તેમણે ભાવનગર સામે બળવો માંડયો હતો. આ બળવો ભીતરનો રોષ હતો અને તેમાં તેની જીત થઈ હતી. ભાવનગરના રાજયના તખ્તા પર તે સમયે ગોહિલવંશી રાજા તખ્તસિંહજી ગોહિલ હતા. વહીવટમાં કચાશ નહોતી, પરંતુ કુદરતી આપત્તિ અને એક પછી એક માઠાં વરસને કારણે રાજય વહીવટમાં આવક કરતા ખાદ્ય વધવાથી મહેસૂલી ફેરફારો કરવામાં આવ્યા હતા. અગાઉ ચાલતી આવતી ભાગખરાઈ પદ્ધતિના બદલે રોકેડથી જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કરી પ્રથમ વખત ‘‘ફારમ’’ નામનો નવો કર દાખલ કરવામાં આવ્યો હતો. (ક્રમશઃ)