કેનેડા સરકારના એક નવા અહેવાલમાં દેશમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓને આંતરિક નાણાકીય સહાય (આતંકવાદી ભંડોળ) ની પુષ્ટિ કરવામાં આવી છે. “કેનેડામાં મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણ જાખમનું મૂલ્યાંકન ૨૦૨૫” શીર્ષક ધરાવતા આ અહેવાલ મુજબ, ભારત પ્રત્યે પ્રતિકૂળ આતંકવાદી સંગઠનો જેમ કે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન જેવા ખાલિસ્તાની જૂથોને કેનેડા તરફથી નાણાકીય મદદ મળી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે આ રાજકીય રીતે પ્રેરિત ઉગ્રવાદ ધાર્મિક ભાવના સાથે જાડાયેલ હોઈ શકે છે, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિગત કે વંશીય સર્વોપરિતા નથી, પરંતુ રાજકીય સ્વ-નિર્ણય અને પ્રતિનિધિત્વ છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે થોડા મહિના પહેલા કેનેડિયન ગુપ્તચર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે ૧૯૮૦ ના દાયકાથી, ખાલિસ્તાન તરફી તત્વો એક સ્વતંત્ર રાષ્ટ્ર ‘ખાલિસ્તાન’ બનાવવાના પ્રયાસમાં ભારતના પંજાબમાં રાજકીય રીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ ફેલાવી રહ્યા છે.
કેનેડાના ફોજદારી કાયદાઓ હેઠળ સૂચિબદ્ધ અન્ય આતંકવાદી સંગઠનો જેમ કે હમાસ અને હિઝબુલ્લાહની સાથે, આ ખાલિસ્તાની સંગઠનોને પણ દેશની અંદરથી નાણાકીય મદદ મળતી હોવાનું જાણવા મળ્યું છે. ફાઇનાન્શીયલ રિપો‹ટગ એન્ડ એનાલિસિસ સેન્ટર ઓફ કેનેડા દ્વારા ૨૦૨૨ ના અહેવાલમાં, હિઝબુલ્લાહને કેનેડામાંથી ભંડોળ મેળવતા બીજા સૌથી વધુ ઓળખાતા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન તરીકે ઓળખવામાં આવ્યું હતું.
નવા અહેવાલમાં આ સંગઠનો દ્વારા ઉપયોગમાં લેવાતા નાણાકીય સ્ત્રોતોની પણ વિગતો આપવામાં આવી છે, જેમાં બેંકિંગ ક્ષેત્રનો દુરુપયોગ, ક્રિપ્ટોકરન્સી, સખાવતી અને બિન-લાભકારી સંસ્થાઓનો ઉપયોગ, સરકારી ભંડોળ વગેરેનો સમાવેશ થાય છે.
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે અગાઉ કેનેડામાં આ સંગઠનો પાસે એક સંગઠિત ભંડોળ ઊભું કરવાનું નેટવર્ક હતું, પરંતુ હવે તેઓ નાના, અસંગઠિત જૂથોમાં કામ કરી રહ્યા છે જે આ વિચારધારા સાથે સંકળાયેલા છે, પરંતુ કોઈ એક ચોક્કસ સંગઠન સાથે નહીં. અહીં સખાવતી અને બિન-લાભકારી સંસ્થાઓના દુરુપયોગને ગંભીર ચિંતા તરીકે ઓળખવામાં આવ્યો છે.