બગસરા તાલુકાના ખારી- ચારણપીપળી ગામને જોડતા ૨૮ મીટર લાંબા માઇનોર બ્રિજની તપાસણી દરમિયાન પાયાના ભાગે ભારે વરસાદના પગલે ધોવાણ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બ્રિજના પાયાના ભાગે વરસાદી કે પૂરના પાણીથી નુકસાન ન થાય તે મોટા પથ્થરો મૂકીને જરુરી સમારકામ કરવામાં આવ્યું છે. ખારી ગામના પાદરમાં જ આવેલા આ બ્રિજના પાયાના મજબૂતીકરણ માટેની કામગીરીની વિગતો આપતા માર્ગ અને મકાન પંચાયત કુંકાવાવ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.એમ. ચાવડાએ જણાવ્યુ કે, ૪ સ્પાન ધરાવતા આ બ્રિજના પાયાના ભાગે વરસાદથી ધોવાણ થયું છે. તેનું આજે રબલ એટલે કે મોટા પથ્થર પાયાના ભાગે મૂકીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. પાયાના ભાગે મોટા પથ્થર મૂકીને તેના ઉપર સીસી એપ્રોન કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં થનાર ધોવાણ પણ અટકશે.