અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં એક સગીર વયની કિશોરી પર દુષ્કર્મ ગુજારવાની શરમજનક ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાની એકલતાનો લાભ લઈ ખેતરની ઓરડીમાં તેની સાથે બળજબરી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે સગીરાના માતાએ મૂળ રાજસ્થાનના અને હાલ સાવરકુંડલાના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ મનસુખભાઇ રામભાઇ વણજારા નામના યુવકે તેમની સગીર વયની પુત્રી જ્યારે વાડી/ખેતરની ઓરડીમાં એકલી હતી, ત્યારે આરોપીએ ત્યાં ધસી જઈ તેની એકલતાનો લાભ લીધો હતો. આરોપીએ તેની પુત્રીને ઓરડીમાં નીચે સુવડાવી, તેની મરજી વિરુદ્ધ બળજબરી કરી હતી. સગીરાને નિર્વસ્ત્ર કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલું જ નહીં, આ કૃત્ય બાદ કોઈને જાણ ન કરવા માટે આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત પીડિતાના માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,આ ઘટના પહેલા પણ આરોપીએ સગીરાનો હાથ પકડી તેની છેડતી કરી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.






































