અમરેલી જિલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મહત્વની સફળતા મેળવી છે. કોદીયા વનવિભાગની વિડીમાં સિંહદર્શન માટે ગેરકાયદે પ્રવેશ કરનાર ૫ શખ્સોને ફોરવ્હીલ કાર સાથે ઝડપી લીધા છે. પકડાયેલા શખ્સોમાં ખાંભાના સલીમ દાઉદ સોલંકી અને મોહમદ અલીભાઈ ચોકીયા તેમજ ભાવનગરના ફેજલ સતારભાઈ સેલોજ, જુનેદ રજાક શાહ અને નઇમ અલીભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. વનવિભાગે આ તમામ શખ્સો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ કાર્યવાહી કરી છે. વનવિભાગે આ શખ્સો પાસેથી એડવાન્સ રિકવરી પેટે કુલ ૯૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ કાર્યવાહીથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ વનવિભાગે પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરનારા અનેક લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.