ખાંભા તાલુકાના હનુમાનપુર ગામની સીમમાં દીપડાએ બે વર્ષના બાળક પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. રમણીકભાઈ બોડાની વાડીમાં ખેત મજૂરી કરતા પરેશભાઈનો પરિવાર જ્યારે હાજર હતો, ત્યારે બાજરીના પાકમાંથી અચાનક ધસી આવેલા દીપડાએ રમી રહેલા માસૂમ ઈશ્વર પરમાર પર હુમલો કર્યો હતો. બાળકની ચીસો સાંભળી પરિવારજનોએ તાત્કાલિક હિંમત દાખવી હોબાળો મચાવતા દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.