મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેએ બુધવારે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું હતું કે મરાઠા અનામત માટેનું તેમનું આંદોલન હવે સમાપ્ત થઈ ગયું છે, કારણ કે સરકાર સાથે મામલો સમાધાન થઈ ગયો છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ આરતી સાઠેની ડિવિઝન બેન્ચે તેમનો મુદ્દો સ્વીકાર્યો, પરંતુ એમ પણ કહ્યું કે આંદોલન દરમિયાન બનેલી અન્ય ઘટનાઓ અને ફરિયાદોનો જવાબ આપવો જરૂરી છે.
કોર્ટે પૂછ્યું કે, સરકારી સંપત્તિને થયેલા મોટા પાયે નુકસાન માટે કોણ જવાબદાર છે? જરાંગે વતી હાજર રહેલા વકીલો સતીશ માનશિંદે અને વી.એમ. થોરાટે કોર્ટમાં દલીલ કરી હતી કે આંદોલન શાંતિપૂર્ણ હતું અને ફક્ત સામાન્ય લોકોને જ અસુવિધા થઈ હતી, સંપત્તિને કોઈ નુકસાન થયું ન હતું. આના પર કોર્ટે કહ્યું કે જરાંગે અને આંદોલન સાથે સંકળાયેલા સંગઠનોએ એક સોગંદનામું દાખલ કરવું પડશે, જેમાં સ્પષ્ટપણે લખ્યું હોય કે તેઓ કોઈપણ પ્રકારની હિંસા કે તોડફોડ માટે જવાબદાર નથી.
બેન્ચે કહ્યું કે, જા સોગંદનામામાં કોઈ ઇનકાર નથી, તો જરાંગે અને તેમની ટીમને રમખાણોને ઉશ્કેરનારા ગણવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જા સોગંદનામું યોગ્ય રીતે દાખલ કરવામાં આવશે, તો કોઈ કડક આદેશ આપવામાં આવશે નહીં, પરંતુ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. કોર્ટે જરાંગે અને તેમની ટીમને સોગંદનામું દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
જરાંગેએ કહ્યું કે મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના મરાઠા સમુદાયને હવે અનામત મળશે. તેમણે તેમના સમર્થકોને શાંતિ જાળવવા અને તેમના નિર્ણય પર વિશ્વાસ રાખવા અપીલ કરી. મુંબઈમાં પાંચ દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કર્યા પછી છત્રપતિ સંભાજીનગર પરત ફરેલા જરાંગે હવે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેઓ ડિહાઇડ્રેશન અને લો બ્લડ સુગર માટે સારવાર લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આ અમારી જીત છે અને આનો સંપૂર્ણ શ્રેય મરાઠા સમુદાયને જાય છે. મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના મરાઠાઓને હવે અનામત મળશે. મંગળવારે, સરકારે જરાંગેની મોટાભાગની માંગણીઓ સ્વીકારી, જેમાં મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાનો સમાવેશ થાય છે. આનાથી તેમનેમ્ઝ્ર અનામત હેઠળ શિક્ષણ અને નોકરીઓમાં લાભ મળશે.
આઝાદ મેદાનમાં ભાજપના વરિષ્ઠ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલ અને સમિતિના અન્ય સભ્યોની હાજરીમાં જરાંગેને જ્યુસ પીવડાવીને ભૂખ હડતાળનો અંત લાવવામાં આવ્યો. જરાંગેએ કહ્યું કે, અત્યાર સુધી સરકારે મરાઠાઓના પક્ષમાં એક પણ લાઈન લખી નથી. જે લોકો મારા નિર્ણયની ટીકા કરી રહ્યા છે તેઓએ મરાઠા સમુદાય માટે કંઈ કર્યું નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો તેમના નિર્ણયને સમજશે. તેમણે કહ્યું કે, મરાઠાવાડાના કોઈપણ મરાઠાને અનામતથી વંચિત રાખવામાં આવશે નહીં. ગામ-દર-ગામ સમિતિઓની રચના કરવામાં આવશે જે મરાઠાઓના કુણબી વંશની પુષ્ટિ કરવામાં મદદ કરશે.
જરાંગેએ કહ્યું, મરાઠા સમુદાય ખુશ છે, હું પણ ખુશ છું. તેમણે લોકોને શાંતિ જાળવવા અને તેમને આપવામાં આવેલા આશ્વાસનો પર વિશ્વાસ રાખવા અપીલ કરી. મંગળવારે, સરકારે હૈદરાબાદ ગેઝેટના આધારે એક સરકારી આદેશ જારી કર્યો અને દસ્તાવેજા સાથે તેમની કુણબી ઓળખ સાબિત કરી શકે તેવા મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો આપવા માટે એક સમિતિની રચનાની જાહેરાત કરી. તેમણે કેબિનેટ બેઠકમાં હાજરી આપવા બદલ રાજ્યમંત્રી છગન ભુજબળ પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે તેનો અર્થ એ છે કે તેઓ એક સમજદાર નેતા છે. તેનો અર્થ એ પણ છે કે મરાઠા સમુદાયને અનામત મેળવવામાં સફળતા મળી છે. જરાંગેએ એવો પણ દાવો કર્યો હતો કે સરકારી આદેશને કોર્ટમાં પડકારી શકાતો નથી. જે અરજીઓ દાખલ કરવામાં આવશે તે ફગાવી દેવામાં આવશે કારણ કે સરકારી આદેશ સરકારી ગેઝેટ પર આધારિત છે.