ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. જુનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાંજડીયા અને એસ.પી. જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ, કોડીનારની સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષ દરમિયાન (૦૯/૦૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬) અલગ-અલગ ૧૫૧ દરોડાઓમાં પકડાયેલી વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને ટીન મળી કુલ રૂ. ૧૮,૮૦,૦૩૨/- ના મુદ્દામાલ પર રોલર ફેરવી તેને નષ્ટ કરાયો હતો. નામદાર કોર્ટના હુકમ બાદ રચાયેલી પ્રોહીબીશન કમિટીના સભ્યો, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, મામલતદાર અને નશાબંધી અધિકારીની પ્રત્યક્ષ હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા અને તેમની સર્વેલન્સ સ્કોડની ટીમે આ સમગ્ર કામગીરીમાં જેહમત ઉઠાવી હતી. આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.