નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ ૨૦૨૬ના બજેટને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને યુવા નેતા મનીષ સંઘાણીએ આવકાર્યું છે. તેમણે આ બજેટને મધ્યમ વર્ગ અને ખેડૂતોના હિતમાં ગણાવ્યું હતું. મનીષ સંઘાણીએ બજેટની મહત્વની બાબતો વિશે જણાવતા કહ્યું હતું કે, કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનાની મર્યાદા ૩ લાખથી વધારીને ૫ લાખ કરવામાં આવી છે જે ખેડૂતો માટે ખૂબ લાભદાયી છે. આ ઉપરાંત નાળિયેરની ખેતી માટે પ્રોત્સાહન યોજના, ૫૦૦ જળાશયો એકત્રિત કરી મત્સ્ય ઉદ્યોગને મજબૂત કરવા અને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના ૧૦૦ જિલ્લા સુધી પહોંચાડવાના નિર્ણયો લેવાયા છે. સહકારી ક્ષેત્રે મહત્વની જાહેરાતો અંગે તેમણે જણાવ્યું કે, સહકારી મંડળીઓમાં સભ્યો દ્વારા ઉગાડવામાં આવતા તેલીબીયા, ફળો, શાકભાજી અને દૂધના પુરવઠામાં મંડળીઓને કપાતની મંજૂરી આપવામાં આવી છે. તેમજ નવી કર વ્યવસ્થા હેઠળ આંતર-સહકારી મંડળીમાંથી મળતી ડિવિડન્ડ આવક જો સભ્યોને વિતરિત કરાય તો તેને કપાત તરીકે મંજૂરી અને ૩ વર્ષ માટે મુક્તિનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.










































