ધારી તાલુકાના કેનાલપરા (જૂના ચરખા) ગામે PGVCL તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. વારંવાર ફરિયાદ કરવા છતાં વીજ ફોલ્ટ ન સુધારતા, લાઈનનું જમ્પર તૂટીને માથે પડતા એક ૬૬ વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું આ મામલે જવાબદાર લાઈન ઈન્સ્પેક્ટર વિરુદ્ધ માનવ જિંદગી જોખમાય તેવી બેદરકારી બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે કેનાલપરા (જૂના ચરખા) ગામે રહેતા ગોગનભાઇ ગોવિંદભાઇ પોલરા (ઉ.વ.૭૫)એ જે.કે.દાફડા, ચલાલા પીજીવીસીએલ કચેરીના લાઇન ઇન્સ્પેકટર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ગત તારીખ ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૦ઃ૧૫ વાગ્યાની આસપાસ કેનાલપરાના રહેવાસી દેવચંદભાઈ ગોવિંદભાઈ પોલરા (ઉં.વ. ૬૬) પોતાના ખેતરે જઈ રહ્યા હતા. તે સમયે ગામમાં આવેલી ભાવેશભાઈ બાલુભાઈ અંટાળાની વાડી પાસે PGVCLના ડી.પી.નું જમ્પર બળતું હોવાથી ફોલ્ટ સર્જાયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, આ જમ્પર બળતા હોવા અંગેનો ફોલ્ટ અગાઉ જ પીજીવીસીએલ ચલાલા કચેરીના સત્તાવાર નંબર પર નોંધાવવામાં આવ્યો હતો. આમ છતાં, કચેરી દ્વારા આ ફોલ્ટનું રિપેરિંગ કરવામાં આવ્યું નહોતું. તાજેતરમાં ચલાલા પીજીવીસીએલ કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ લાઈન અને ડી.પી.ના મેન્ટેનન્સની સીધી જવાબદારી જે-તે લાઈન ઈન્સ્પેક્ટરની હતી. જેથી લાઇન ઇન્સ્પેકટરે પોતાની ફરજ દરમ્યાન ડી.પી.નુ જમ્પર તુટતા, જે ફોલ્ટ રીપેરીગ નહી કરીને માણસની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી તેમના નાના ભાઇની માથે ડીપીનું જમ્પર તુટી, વાયર પડતા, શોટ લાગતા મોત નિપજ્યું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ આર એચ રતન વધુ તપાસ કરી રહ્યા છે.