રાધનપુરની ગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદમાં આખરે સમાધાન થઈ ગયું છે. મોડી રાતે ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેના બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી છે. એટલું જ નહિ, કિંજલ રબારીએ લગ્ન સાથે જાડાયેલી તમામ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી હટાવી લીધી છે.
કિંજલ રબારીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા, તો રબારી સમાજમાં નારાજગી ઊભી થઈ છે. પાટણના રાધનપુર તાલુકાના સીનાડ ગામની લોકગાયિકા કિંજલ રબારીએ પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હોવાનું સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર કિંજલ રબારી અને તેના પતિને બદનામ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી તેઓને જીવનું જાખમ હોવાથી પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. કિંજલ રબારીએ વીડિયો પોસ્ટ કરીને નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પણ રજૂઆત કરી હતી કે, તેને સુરક્ષા આપવામાં આવે.
કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્ન બાદ ચૌધરી અને રબારી સમાજમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના બાદ ગઈકાલે બનાસકાંઠામાં બંને સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં દીકરા-દીકરી ઘરે પરત ફરે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના બાદ કિંજલ રબારીએ ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો હતો.
કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કરી લેતા રબારી સમાજમાં ભારે રોષ જાવા મળ્યો હતો. તો કિંજલ રબારીએ કહ્યું હતું કે, તેણે પોતાની ઈચ્છાથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. બંને ખુશીથી રહેવા માંગે છે. જેના બાદ સોશિયલ મીડિયા પર કિંજલ રબારીના લગ્ન મામલે વિવાદ શરૂ થયો હતો. પરંતું હવે સમાચાર આવ્યા છે કે, કિંજલ રબારી પરત ઘરે ફરી ગઈ છે. તેમજ કિંજલે સોશિયલ મીડિયા પર લગ્ન સંલગ્ન તમામ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.