માનવજીવનની સફરમાં દરેક વ્યક્તિ ખુશી મેળવવા માટે સતત પ્રયાસ કરતો રહે છે. ઘણીવાર લોકોનું માનવું હોય છે કે પૈસા અને વૈભવ જેટલા વધુ મળશે, એટલા સુખ-શાંતિ જીવનમાં વધુ આવશે. પરંતુ, હકીકત એ છે કે ખુશીનો સીધો સંબંધ ક્યારેક પૈસા સાથે હોય છે એમાં ના નહિ પણ હરહંમેશ પૈસા સાથે હોતો નથી. ખુશીનો સીધો સંબંધ કાયમ મનની સ્થિતિ અને માણસની પરિસ્થિતિ પર હોય છે. ખુશી કે ગમ એ તો વ્યક્તિની પરિસ્થિતિ અને માનસિકતા પર આધારિત હોય છે. એક સુંદર ઉદાહરણથી વાત સ્પષ્ટ થાય છે. એક બાળક ફૂગ્ગો ખરીદે છે અને તેને મેળવીને ખુશ થાય છે. બીજો બાળક એ જ ફૂગ્ગો ઉડાડે છે અને મજા માણે છે. ત્રીજો બાળક એ ફૂગ્ગો ફોડી નાખે છે અને એને જોઈને હસે છે. ચોથો બાળક આ ફૂગ્ગા વેચીને ખુશ થાય છે. ચારેય બાળકોની ખુશી અલગ રીતની છે, પરંતુ ખુશીનો સ્ત્રોત એક જ છે – ફૂગ્ગો. અહીંથી સમજાય છે કે ખુશી કોઈ વસ્તુમાં નથી, પરંતુ એ વસ્તુને આપણે કયા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તેમાં છે. કોઈને નાની ભેટમાં ખુશી મળે છે, કોઈને બીજાને આપવાથી આનંદ મળે છે અને કોઈને મસ્તીમાં ખુશીનો અનુભવ થાય છે. ચારેય બાળકોની ખુશીનો સ્ત્રોત એક જ છે – ફૂગ્ગો, પણ અનુભૂતિ અલગ છે.
બીજું ઉદાહરણ લઈએ – વરસાદમાં કોઈ ખેડૂત ખુશ થાય છે કેમ કે ખેતરમાં પાકને પાણીની જરૂર છે. હવે એ જ ખેડૂત એ જ વરસાદથી દુઃખી થાય છે જ્યારે પાકને પાણીની જરૂર નથી. આજ વરસાદમાં કોઈ બાળક આનંદ કરે છે કેમ કે તેને કાગળની નૌકા તરાવવાની મજા મળે છે, અને કોઈ મજૂર દુઃખી થાય છે કેમ કે વરસાદ તેના એક દિવસના કામને અટકાવી દે છે. આમ એક જ વસ્તુ દરેક માટે એની સ્થિતિ કે પરિસ્થિતિ અનુસાર ખુશી કે ગમનું કારણ બને છે. “પરિસ્થિતિ એ જ હોય છે, પણ ખુશી કે દુઃખ એ આપણા દ્રષ્ટિકોણ પર આધારિત હોય છે.” એનું એક ઉદાહરણ જોઈએઃ- એક પરિવારના સભ્યો કે મિત્રો એક થાળીમાં સાથે ભોજન કરે છે તો પ્રેમથી નાની થાળી પણ મોટી લાગે છે અને દરેકને સંતોષનો ઓડકાર આવે છે. બીજો માણસ એકલો હોટેલમાં મોટા થાળમાં ભોજન કરે છે, છતાં સંતોષ નથી મળતો કેમ કે ભોજનમાં સાથ આપનાર અંગત સાથીની કમી વર્તાય છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે “ખુશી થાળીની સાઈઝમાં નથી, પણ સાથે બેઠેલા પોતાના માણસમાં છે.”
હજી એક ઉદાહરણ જોઈએ તો ક્રિકેટ મેચ જોવા જતાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં બેસવાની કે ઊભા રહીને મેચ લાંબી ચાલે એ જોવાની મજા આવે છે પણ એ જ સ્ટેડિયમમાં વહેલી સવારથી ખડેપગે ઊભા રહેલા સુરક્ષાકર્મીને તો મેચ જલ્દી પૂરી થાય એની રાહ હોય છે. મેચ લાંબી ચાલે એ એના માટે કંટાળાજનક હોય છે. બોર્ડર પર પરિવાર સાથે ફરવા જનાર પ્રવાસી અને ત્યાં ફરજ બજાવતા આર્મીના જવાનો માટે એક જ સ્થળે ખુશી અને ગમના કારણ પરિવાર જ હોય છે. કારણ કે પ્રવાસીઓનો પરિવાર સાથે હોય છે જ્યારે જવાનોનો પરિવાર પોતાના ઘરે હોય છે. હાસ્ય કલાકાર, વક્તા કે લેખક પણ લોકોને પોતાની કલાના માધ્યમથી ખુશ કરી શકે છે પણ એ જ વખતે પોતાના વાસ્તવિક જીવનની કથની કહેતી કે લખતી વખતે ગમગીન થઈ જતાં હોય છે. આ બધા ઉદાહરણો પરથી એટલું તારણ ચોક્કસ કાઢી શકાય કે, આજના સમયમાં માણસ વધારે કમાઈને, વધારે સંપત્તિ એકઠી કરીને સુખ શોધે છે પરંતુ માત્ર પૈસા પાછળની દોટ ખુશી આપતા પહેલા પીડા આપે છે. સંતોષ, સંયમ, સંસ્કાર, આભાર અને સકારાત્મક દ્રષ્ટિકોણ વિના સાચી ખુશી મળવી મુશ્કેલ છે. જીવનની નાની નાની બાબતોમાં ખુશ થવું અને કોઈપણ પરિસ્થિતિમાં સ્થિરતા જાળવી શકીએ એ જ જીવન જીવવાની સાચી કળા છે. મોટી સફળતાની રાહમાં મળતી નાની સફળતાનો આનંદ લેવો એ જ સાચું સુખ છે. ઘણીવાર મંજિલ સુધી પહોંચીએ તે પહેલા આખરી મંજીલ તરફ આકસ્મિક પ્રયાણ થઈ જાય છે. માટે જે પરિસ્થિતિમાં જ્યાં છીએ ત્યાં ખુદ ખુશ રહીને આસપાસના લોકોને ખુશખુશાલ રાખીને જેટલું જેના ભાગ્યમાં લખ્યું હોય એટલું ભોગવતા ભોગવતા જીવીએ એ જ સાચું સુખ છે.
અંતમાં, સાચી ખુશી મેળવવી છે તો પરિસ્થિતિને સ્વીકારીને સકારાત્મક રીતે જીવતા શીખવું પડે. કારણ કે, જે વ્યક્તિ પોતાની અંદર સંતોષ અને આભારનો ભાવ ધરાવે છે, તે દરેક પરિસ્થિતિમાં આનંદ અનુભવી શકે છે.