અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ અને પ્રતાપરાય આટ્ર્સ કોલેજ ખાતે ૧૧ ફેબ્રુઆરીના રોજ ‘બજેટ ટોક જ્ર કેમ્પસ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કેન્દ્રીય બજેટ ૨૦૨૬ની સકારાત્મક અસરો વિશે માહિતી આપવા માટે અમરેલી જિલ્લાના નોડલ ઓફિસર ડો. અશોકભાઇ ચંદ્રવાડીયા, કે.કે. પારેખ કોમર્સ કોલેજના અધ્યાપક ડો. એ.બી. ગોરવાડીયા તથા સરકારના પ્રતિનિધિ કેતનભાઇ સોની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. એ.જે. ચંદ્રવાડીયા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા મોમેન્ટો તરીકે ડો. જીવરાજ મહેતાના જીવનને ઉજાગર કરતું પુસ્તક “સમતાનો મેર” આપીને મહાનુભાવોનું અભિવાદન કરી મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો. ડો. ગોરવાડીયાએ બજેટની તલસ્પર્શી વિગતો આપી હતી. કેતનભાઈ સોનીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપયોગી થઇ શકે તે વિશેની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. પૂર્વેશભાઇ વ્યાસે કરી હતી.









































