બધી જ જગ્યાએ ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. રેલી, સભા, સરઘસ થવા લાગ્યા હતા.ગાડીઓ દોડવા લાગી હતી. ઉમેદવારોને અને તેઓના ટેકેદારોને મરવાની પણ નવરાશ ન હતી.
ઓઘડનું મહત્વ ઉમેદવારો માટે વધી ગયું હતું. કારણ કે ઓઘડનો પ્રભાવ આ આખા પ્રદેશ પર ખૂબ હતો. લોકો પાસે તેનું માનપાન હતું.કારણ કે ઓઘડે હમેશાં પ્રામાણિકતાપૂર્વક લોકોના કામ કર્યા હતા. દરેક કામમાં તેને જીવીનો જીવ આપીને સહકાર હતો. ઓઘડે અને જીવીએ જીવન દરમ્યાન કરેલ સંઘર્ષના સૌ સાક્ષી હતા. એટલે ઓઘડ જે નિર્ણય જાહેર કરે તેમાં લોકો સંમત જ હોય. ત્યાં ઉમેદવારોનાં દાળિયા પણ ન આવે.
ઓઘડ ગ્રુપ જે તરફ નમે એ ઉમેદવારની જીત પાક્કી થઈ જતી.
પણ આ વખતે ઓઘડ ગોથું ખાઈ ગયો. વ્યક્તિને ઓળખવામાં ગોથું ખાઈ ગયો. ક્યારેક આવું બની જતું હોય છે. કુદરત એને કંઈક શીખવવા કે ચેતવવા માગતી હોય છે. કારણ કે કોઈ માણસનાં મનની વાત ક્યારેય જાણી શકાતી નથી. ઓઘડ પણ એક સામાન્ય સજજન હતો. એની નજરમાં તો બધી જ વ્યક્તિ સારી, વફાદાર અને દિલદાર જ લાગી હોય. આમ તો જે ખૂદ સારી વ્યક્તિ હોય તેને દરેક વ્યક્તિ સારી જ લાગતી હોય છે. ભાવનાશીલ, પ્રેમાળ અને દિલદાર હોય એવી જ લાગે. પણ છતાં ક્યારેક એવું બની જાય છે કે માણસને જોયા હોય એવા જાણ્યા ન હોય, એ દેખાય એવા સ્નેહાળ ન નીકળે. કામ પતી ગયે એનો સ્વાર્થ છતો થઈ જતો હોય છે.એવો જ અનુભવ થાય.
આવું ઓઘડને જ નહિ તેના વર્તુળના ખાસ ખાસ વ્યક્તિઓ મામલે બન્યું.
માયાબેન મામલતદારે ઉમેદવારી નોંધાવી હતી.
મામલતદાર માયાબેને ધારણ કરેલી અટક છે.
એ ઓઘડ પાસે આવેલા, “ઓઘડભાઇ તમારે ભરોસે મેં ઉમેદવારી નોંધાવી છે. હવે તારો કે મારો…. તમારા હાથમાં..!”
ઓઘડને માયાબેનનાં શબ્દોમાં વિશ્વાસ બેઠો. બધાની સલાહ લીધી.જીવીને પૂછ્યું. ત્યારે જીવીએ હળવી ટકોર કરેલી, “મને તો આમાં નામ એવા ગુણ લાગે છે..”
જીવીની ટકોર ઓઘડ સમજી ગયો હતો. છતાં થયું કે બીજા બધાનો મત હોય તો માયાબેનને સપોર્ટ કરવામાં કઇ વાંધો નથી.માયાબેન તકવાદી જણાતા નથી, સ્વાર્થી નથી. પ્રદેશ સાથે વફાદાર રહીને કામ કરશે.
ઓઘડ અને ટીમે, સાથે જીવીએ પણ મોરચો સંભાળી લીધો હતો. રાત દિવસ જોયા વિના ઓઘડે માયાબેનનો પ્રચાર કર્યો. ઓઘડ પોતાના કામ છોડીને લાગી ગયેલો. માયાબેનને આપેલ વચન..!- “ઓઘડ પર વિશ્વાસ મૂક્યો છે તો પરિણામ સુધી પહોંચાડીશ.! ”
અને ધારેલું પરિણામ આવ્યું. માયાબેન જંગી લીડ સાથે મેદાન મારી ગયા.
માયાબેનનું ઠેર ઠેર સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું.
જમીન સાથે જોડાઈને કામ કરનારનો કોઈ ભાવે ય પૂછતા નથી.
ચૂંટણી જીતી ગયાં પછી, કોણ હું અને કોણ તું..!?
કેટલાંક દિવસ પછી ઓઘડે નહોતું ધાર્યું એવું થયું.
આ જોઈને ઓઘડ સાવ સૂનમૂન થઈને બેઠો હતો. આસપાસ તેના વિશ્વાસુ લોકો વીંટળાયેલા હતા. બધા ઓઘડની ધૂળ કાઢી રહ્યા હતા. જીવી પણ જાણે આકાશેથી આગ વરસાવતી હોય એમ ઓઘડ પર કાળજાળ હતી.
માયાબેન મામલતદારે પોતાની જીત પછી માયા પાથરી હતી.સમાચાર એવા આવ્યા કે જીત મેળવીને માયાબેને પલટી મારી દીધી.ત્યારથી માયાબેન ઓઘડ કે જીવીને મોં બતાવવા પણ ન આવ્યા.
ઓઘડે સાંભળવું પડ્‌યું. ખૂબ સાંભળવું પડ્‌યું. પોતે જ કાચો ઠર્યો. માયાની માયાને ન ઓળખી શક્યો એટલે બીજો કોઈ ઉકેલ ન હતો.
“શું વિચારમાં પડી ગયા ઓઘડભાઈ? આવા પ્રજાને દગો આપે એવા પ્રતિનિધિ માટે શું કરશો…?”
ઓઘડે ઍક ઊંડો શ્વાસ લીધો ને બોલ્યો,”મિત્રો, કશો વાંધો નહિ એને મેં આપેલા હતા એટલા વચન પૂરા કર્યા જ છે. પણ જે ઓઘડમાં જેને ત્યાં સુધી પહોંચાડવાની તાકાત હોય, ઉંચે લઈ જવાની તાકાત હોય, એનામાં એની મૂળ જગ્યા બતાવવાની પણ તાકાત હોય જ. મિત્રો, ચિંતા કરોમા..!”
સૌને થયું કે ઓઘડ સાચું કહે છે. કહે એવું જ કરે છે. કોઈનો વિશ્વાસ તોડવો એ એના સ્વભાવમાં નથી. તો સામે વિશ્વાસ તોડનારને પણ ભાન કરાવે એવી પણ તાકાત છે જ… બધા બોલી ઉઠયાં..! “વાહ..ઓઘડ..વાહ
શાબાશ…! હવે તારી છાતી ખરી છપ્પન ઈંચની હોં”
ઓઘડનાં મનમાં ઉલઝન હતી એ સાવ સ્પષ્ટ થઇ ગઈ.
વાર્તા મૂળ સ્વરૂપેઃ- વાસુદેવ સોઢા, અમરેલી..