એશિયા કપ ૨૦૨૫ શરૂ થાય તે પહેલાં જ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને રમતગમત અને રાજકીય બંને મોરચે ચર્ચા ચાલી રહી છે. ટીમ ઇન્ડિયા ૧૦ સપ્ટેમ્બરે યુએઈ સામે પોતાનો પહેલો મુકાબલો રમશે, ત્યારબાદ ૧૪ સપ્ટેમ્બરે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સાથે ટકરાશે. બંને દેશો વચ્ચે તાજેતરના લશ્કરી તણાવને ધ્યાનમાં રાખીને, ચાહકોનો એક મોટો વર્ગ ઇચ્છે છે કે ભારતે કોઈપણ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ન રમવું જાઈએ. કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે ભારતે આઇસીસી અથવા અન્ય બહુરાષ્ટ્રિય ઇવેન્ટ્સમાં પાકિસ્તાન સાથે મેચ રમવાનો ઇનકાર કરવો જાઈએ. જ્યારથી એશિયા કપનું શેડ્યૂલ જાહેર થયું છે, ત્યારથી ઘણા લોકો ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમવાના પક્ષમાં નથી. ઘણા લોકો આ અંગે સોશિયલ મીડિયા પર ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. આ વિવાદ વચ્ચે, બીસીસીઆઇ સચિવ દેવજીત સાઇકિયાએ હવે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે બોર્ડ સરકાર દ્વારા બનાવેલા માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યું છે અને ટીમ ઇન્ડિયાની ભાગીદારી તેના આધારે નક્કી કરવામાં આવે છે. સાઇકિયાએ કહ્યું કે કેન્દ્ર સરકારના રમતગમત વિભાગે ભારતીય ટીમની કોઈપણ રમતમાં ભાગીદારી અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવી છે, પછી ભલે તે ક્રિકેટ હોય કે અન્ય કોઈ. નીતિ બનાવતી વખતે, સરકારે ખૂબ કાળજી લીધી છે કે રમત સંગઠનોને રાષ્ટ્રિય સ્તરે દિશા મળે અને તેના આધારે બહુ-રાષ્ટ્રિય ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય લેવામાં આવે.તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથેના રમત સંબંધો સંપૂર્ણપણે તોડી નાખવા શક્ય નથી. આમ કરવાથી, આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ અથવા એશિયન ક્રિકેટ પરિષદ જેવા સંગઠનો તરફથી કડક પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, ઉભરતા ખેલાડીઓની કારકિર્દી પણ આનાથી પ્રભાવિત થશે.સકિયાએ કહ્યું કે જા કોઈ ટીમ બહુ-રાષ્ટ્રિય ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે, તો સંબંધિત ફેડરેશન પર પ્રતિબંધ મૂકી શકાય છે. આવી સ્થિતિ માં, યુવા ખેલાડીઓનું ભવિષ્ય જાખમમાં મુકાશે. તેથી જ કેન્દ્ર સરકારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નીતિ બનાવી છે.