શહેરમાં એક પ્રેમીને છોડીને નવો પ્રેમી બનાવી તેની સાથે રહેવા ગયેલી યુવતીએ નવા પ્રેમીની કરપીણ હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો હાલ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં યુવતી તેના પહેલા પ્રેમીને છોડીને નવા પ્રેમી સાથે રહેવા ગઈ હતી. જોકે નવો પ્રેમી રાતે દારૂ પીને આવીને બબાલ કરતો હતો. જેથી આ આરોપી યુવતીએ પોતાના દુપટ્ટાથી જ તેને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે ઘટના બાદ યુવતી આ હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લાશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા પ્રેમિકાની કરતૂત સામે આવી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં દિનેશ પરમાર અને મુકેશ પરમાર બંને સગાભાઈ એક સાથે રહેતા હતા. જેમાંથી આશરે ચારેક માસ પહેલાં મુકેશ પરમાર અને નજીકના રામનગર વિસ્તારમાં રહેતી કવિતા નામની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી આ યુવતી છેલ્લા ૧૫ દિવસથી મુકેશ અને દિનેશ જે ઘરમાં રહેતા હતા ત્યાં સાથે રહેવા લાગી હતી.
ઘટના મુજબ, ગત ૧લી સપ્ટેમ્બરની રાતે મુકેશ અને કવિતા બંને રૂમમાં તથા દિનેશ રસોડામાં સૂતા હતા, ત્યારે રાતે પોણા બે વાગે કવિતાએ અચાનક દિનેશને ઉઠાડ્યો અને કહ્યું કે, ‘તમારા ભાઈ બોલતા નથી.’ જેથી દિનેશ બેડરૂમમાં ગયો અને ભાઈ મુકેશને નીચે જમીન પર ચત્તોપાટ પડેલો જાયો હતો. જેને ઉઠાડવાની કોશિશ કરતા તે ઉઠ્યો નહીં અને બાદમાં હોસ્પિટલ લઈ જતાં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.બાદમાં બનાવ અંગે દિનેશે પોલીસને જાણ કરી અને મુકેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મુકેશનું મોત ગળેફાંસો આપ્યા બાદ થયું હોવાનું ઘટસ્ફોટ થયો હતો. જે બાબતે પોલીસે કવિતાની પૂછપરછ કરી, ત્યારે શરૂઆતમાં તો તે એકને એક જ રટણ કરતી રહી, અને હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બાદમાં કડકાઈથી પૂછપરછ કરતા કવિતા ભાંગી પડી અને મુકેશની હત્યાની કબૂલાત કરી હતી.
કવિતાની કબૂલાત અનુસાર, ‘બનાવના દિવસે મુકેશ દારૂ પીને આવ્યો હતો અને ઝઘડો કર્યો હતો. જે દરમિયાન મુકેશે મને નખ માર્યા હતા. જેથી બાદ મેં આવેશમાં આવી મારો દુપટ્ટો મુકેશને ગળે નાંખી ખેંચી રાખ્યો હતો, ત્યારે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મેં તેની લાશને પહેલા રૂમમાંથી ખેંચીને બેડરૂમમાં લઈ આવી હતી અને બાદમાં દિનેશને ઉઠાડીને તે કાંઈ બોલતો નથી તેમ કહ્યું હતું.
નોંધનીય છે કે, હાલ આ બાબતે ફતેગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘટનામાં મૃતક મુકેશ અને તેનો ભાઈ દિનેશ બંને સાથે રહીને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. મુકેશ ત્રણ મહિના પહેલાં જ ગુજરાત એસ્ટેટમાં પેકેજિંગ કંપનીમાં કામે લાગ્યો હતો. જ્યારે આરોપી યુવતી કવિતા અગાઉ પણ અન્ય એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતી અને તેની સાથે રહેતી હતી. જોકે ચાર મહિનાથી મુકેશ સાથે પ્રેમ થતાં મુકેશ પહેલા આ કવિતાના ઘરે રહેતો હતો અને છેલ્લા ૧૫ દિવસથી કવિતા મુકેશના ઘરે આવીને રહેવા લાગી હતી.