ઉનાની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતાને સમયસર સારવાર ન મળતા ગંભીર બેદરકારી સામે આવી છે. ઉના તાલુકાના ગાંગડા ગામના મનીષાબેન અજીતસિંહ ગોહિલને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો તેમને રાત્રે ૩ વાગ્યે સરકારી હોસ્પિટલ લાવ્યા હતા. જોકે, સવારે ૧૧ વાગ્યા સુધી કોઈ તબીબ હાજર ન રહેતા પ્રસૂતાએ લાંબો સમય પીડા સહન કરવી પડી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ સ્ટાફને વારંવાર જાણ કરવા છતાં તબીબ આવ્યા ન હતા. ત્યારબાદ જ્યારે એક તબીબ અન્ય દર્દીને તપાસવા આવ્યા ત્યારે મનીષાબેનના પરિવારે તપાસવા વિનંતી કરી હતી, પરંતુ ગાયનેક તબીબે ‘ફ્રેશ થઈને આવ્યા પછી તપાસ કરશે’ તેવો જવાબ આપ્યો હતો.