દિવાળીના તહેવાર પૂર્વે ઉના શહેરમાં પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે ફ્‌લેગ માર્ચ અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. શુક્રવારે સાંજે શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉનાના પી.આઈ. એમ.એન. રાણાના નેતૃત્વ હેઠળ આ ફ્‌લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં ઉના સેકન્ડ પી.આઈ. જે.જે. પરમાર, પી.એસ.આઈ. કે.એમ. ચાવડા, ડી-સ્ટાફ, મહિલા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. અને ટી.આર.બી.ના જવાનો જોડાયા હતા. પોલીસે જાહેર જનતાને અપીલ કરી હતી કે તહેવાર દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. સરકારે શરૂ કરેલી ૧૧૨ હેલ્પલાઈન સેવાનો પણ લાભ લેવા જણાવાયું હતું. આ ઉપરાંત, ફ્‌લેગ માર્ચ દરમિયાન પોલીસે શહેરીજનોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.