ઉના તાલુકાના સનખડા ગામની કુમાર પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આવેલા એક ઝાડ પરથી ઝેરી મધપૂડો દૂર કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી રાહત અનુભવી છે. શાળાના ઝાડ પર ઝેરી મધમાખીઓનો મધપૂડો હોવાથી દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ શાળાએ આવતા ડરતા હતા અને વાલીઓમાં પણ ભયનો માહોલ હતો. આ પરિસ્થિતિને કારણે મધપૂડાને તાત્કાલિક દૂર કરવો જરૂરી બન્યો હતો. આ અંગે શાળાના આચાર્ય અને વાલીગણે ગામના સરપંચ રવિરાજસિંહ રાઠોડ, સામાજિક કાર્યકર ગંભીરસિંહ ગોહિલ, સતિષભાઈ ડી. ગોહિલ અને મધ્યાહન ભોજન કર્મચારી જયેશભાઈ પંડ્‌યાને રજૂઆત કરી હતી. ઝેરી મધમાખીઓને કારણે દિવસે કામગીરી કરવી મુશ્કેલ હોવાથી સરપંચ દ્વારા રાત્રિના સમયે મધપૂડો દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. ભરતભાઈ પુનાભાઈ દ્વારા ટેન્કર અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાજિક કાર્યકરો અને ગામના સેવાભાવી યુવાનોની મદદથી અડધા કલાકની જહેમત બાદ આ ઝેરી મધપૂડાને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો.