ઉના તાલુકાના મોઠા ગામે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગામની સીમમાં આવેલા દૂધનાથ મહાદેવ, ઘોરીયા નાગસ્વામી મહારાજની જગ્યા અને ગામની મધ્યમાં આવેલા સુખનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડતા સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. મોઠા ગામની સીમમાં દૂધનાથ મહાદેવ ખાતે બંસીગીરી બાપુનો આશ્રમ આવેલો છે, જ્યાં મહાદેવનું સ્વયંભૂ લિંગ બિરાજમાન છે. મહાશિવરાત્રીના દિવસે અહીં ભક્તજનોને ભાંગની પ્રસાદી આપવામાં આવે છે. અહીંના બ્રહ્મલીન સંત બંસીગીરી બાપુ ચમત્કારિક સંત તરીકે જાણીતા હતા અને તેમનું આયુષ્ય ૩૦૦ વર્ષથી પણ વધુ હોવાનું મનાય છે. પ્રચલિત માન્યતા મુજબ, બાપુ વાડીમાં ગાંજાનું વાવેતર કરી સાધુ-સંતોને પ્રસાદી રૂપે આપતા હતા.