(૧) કથરોટ કૂંડાને કહે તારૂં મોં પહોળું છે. આ હકીકત સાચી છે?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
આવું કહ્યા પછી કથરોટે નિવેદન આપ્યું છે કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે. હું આવું બોલી જ નથી!
(૨) મસાલા ઢોસા અને સ્પ્રિંગ ઢોસા વચ્ચે શું તફાવત?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
હું તમને ક્યાં એંગલથી મદ્રાસી રસોયો લાગુ છું?!
(૩) આગે આગે ચલે હમ પીછે પીછે ગીત મિતવા ગીત કોઈની પાછળ પાછળ ચાલે?
જય દવે (ભાવનગર)
એટલે જ તમને ના પાડીએ છીએ કે ફિલમુ જોવાનું બંધ કરી ધંધામાં ધ્યાન આપો.
(૪) તમને બધાના પ્રશ્નના જવાબ કઈ રીતે મળી જાય ?
પૂજા પ્રભુદાસ ગોંડલીયા (જસદણ)
જેમ તમને સવાલ મળી જાય એમ મને જવાબ મળી જાય.
(૫) ગુજરાતનો દરિયાકિનારો સાતસો કિલોમીટર વધી ગયો. એનું કારણ શું હશે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
હોડીઓ વધી, દરિયાકિનારે ફરવાવાળા વધ્યા એટલે દરિયો પણ વધારવો પડેને?
(૬)કડવા લીમડાના મૂળમાં ખાંડ નાખીએ તો પાન ગળ્યા આવે?
રામભાઈ પટેલ (સુરત)
બિચારા લીમડાને તો શાંતિ લેવા દો!
(૭) મેરી કિસ્મત મે તું નહિ શાયદ ક્યું તેરા ઇન્તજાર કરતા હું?.. આમાં કવિ શું કહેવા માંગે છે?
રમાબેન પટેલ (અમદાવાદ)
કુંભમેળામાં જવા માટે ટ્રેનની ટિકિટ કન્ફર્મ નથી થઈ લાગતી!
(૮) પહેલાંના અને અત્યારના વિદ્યાર્થીઓમાં શું તફાવત?
દર્શન પટેલ (વડોદરા)
અત્યારના વિદ્યાર્થીઓ સામે આટી જાય છે!
(૯) ઉત્તરાયણ કેવી ગઇ?
કટારીયા અમિત હિંમતભાઈ (કીડી)
દોઢ ડઝન પતંગ લઈને ગઈ, દોરો અલગ!
(૧૦) ૨૬મી જાન્યુઆરીના દિવસે જ રવિવાર છે. તમારે તો એક દિવસની રજાનું નુકસાન ગયુંને ?
કનુભાઈ પરમાર (દામનગર)
તમે એમાં રાજી થયાને?!
(૧૧) ફિલ્મ જૂની હોય પણ હીરોનું નામ ખબર ના હોય તો લોકો એમ કેમ કહેતા હશે કે હીરો નવો છે ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ )
એ હીરો કાયમ હીરોઈનને પિકચર શરુ થાય ત્યારે કહેતો હોય છે કે પ્રેક્ષકો નવા છે!
(૧૨) તમે દરવખતની જેમ આ વખતે પણ પતંગ લૂંટવા ગયા હતા કે નહિ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
આ વખતે એ લોકો મને સામેથી જ પતંગ આપી ગયા હતા.
(૧૩) દુનિયાના સૌ પ્રથમ શિક્ષકને કોણે ભણાવ્યા હશે?
મીરાબેન મેતરા (સુખપુર)
ઇ અભણ હતા!
(૧૪) લગ્નમાં મહિલાઓને રૂમની સુવિધા મળે પુરુષો ને નહિ એનું કારણ?
હિરાલી લોઢિયા (ચમારડી)
પુરુષો તો ચાલુ વરઘોડાએ વાળ ઓળી લે(માથે હોય તો)! મહિલાઓ ચાલુ વરઘોડાએ માથા ઓળવા માંડે તો ગોરદાદા ખીજાય!
(૧૫) તુવેર ફોલી આપો નહીંતર કચોરી ખાવા નહિ મળે આવી ધમકી ઘરમાંથી ક્યારેય મળે છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
અરે, તુવેર ફોલી આપી હોય તો પણ કચોરી ખાવા ન મળી હોય એવા દાખલા પણ ઇતિહાસના પાને નોંધાયેલા છે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..