નરેન્દ્ર મોદી સરકારે જીએસટી દરોમાં ઘટાડો કરીને બહુ મોટી રાહત આપી દીધી.
કેન્દ્ર સરકારે જીએસટીના ૪ સ્લેબની જગાએ બે જ સ્લેબ કરી નાખીને લોકોને મોટી રાહત આપી છે. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવશે તેથી લોકો માટે દિવાળી પહેલાં જ દિવી થઈ જશે. મોદી સરકારે લક્ઝુરીયસ ચીજો અને તમાકુ ઉત્પાદનો પર ૪૦ ટકા જીએસટી લાદવાની જાહેરાત કરી હોવાથી વાસ્તવિક રીતે જીએસટીના ત્રણ સ્લેબ થયા છે પણ સામાન્ય માણસને અસર કરતી લગભગ તમામ ચીજો ૫ ટકા અને ૧૮ ટકાના બે સ્લેબમાં આવરી લેવાઈ હોવાથી સામાન્ય માણસને બહુ મોટા ફાયદો થશે.
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કરેલી જાહેરાત પ્રમાણે પહેલાં જીએસટીનો ઉચ્ચતમ દર ૨૮ ટકા હતો એ નાબૂદ કરીને ૧૮ ટકા કરી દેવાયો છે. તેના કારણે ૨૮ ટકા ટેક્સ લાગતો હતો એ બધી ચીજો પરનો ટેક્સ સીધો ૧૦ ટકા ઘટી ગયો છે તેથી બહુ રાહત થશે. દૂધ, રોટલી, પીત્ઝા, બ્રેડ સહિતની ખાદ્ય ચીજો પરથી જીએસટી ઝીરો કરી દેવાયો છે. હેર ઓઈલ, સાબુ, ટૂથપેસ્ટ, ટેબલવેર અને કિચનવેર જેવી તમામ ઘરવપરાશની વસ્તુઓ હવે ૫ ટકાના સ્લેબમાં આવી ગઈ છે. મધ્યમ વર્ગ માટે અનિવાર્ય એસી-ટીવી અને ફ્રિજ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. ટ્રેકટર, ટ્રેક્ટર ટાયર અને પાટ્‌ર્સ, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને સ્પ્રિકંલર, એગ્ર્રીકલ્ચરલ, હોર્ટિકલ્ચરલ અને ફોરેસ્ટી મશીન પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો તેથી ખેડૂતોને ફાયદો થશે.
મધ્યમ વર્ગને હેલ્થ ઈન્સ્યોરન્સ એટલે કે મેડિક્લેઈમ અને લાઈફ ઈન્સ્યોરન્સ પરનો જીએસટી નાબૂદ કરવાથી મોટો ફાયદો થશે. મધ્યમ વર્ગ માટે હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ અનિવાર્ય છે. હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પર અત્યારે ૧૮ ટકા જીએસટી લાગે છે. નવરાત્રિના પહેલા દિવસથી આ ટેક્સ ઝીરો થઈ જશે તેથી સામાન્ય લોકોને બહુ રાહત થશે.
મોદી સરકારની જાહેરાતથી મધ્યમ વર્ગના મહિનાના બજેટમાં બહુ તોતિંગ ઘટાડો નહીં થાય પણ એટલો ઘટાડો ચોક્કસ થશે કે આનંદ થાય.

મોદી સરકાર આ વરસે બીજી વાર મધ્યમ વર્ગ પર મહેરબાન થઈ છે.
આ પહેલાં નિર્મલા સીતારામનના ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષ માટેના કેન્દ્રીય બજેટમાં આવકવેરાની મુક્તિ મર્યાદા સીધી ૧૨ લાખ કરીને બહુ મોટી રાહત આપી હતી. ભાજપે નોકરીયાતો અને મધ્યમ વર્ગને રીઝવવા માટે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સત્તાવાર રીતે ચૂંટણી ઢંઢેરામાં આવકવેરા મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરવાનું વચન આપેલું. તેના કારણે મધ્યમ વર્ગ અને નોકરીયાતો ભાજપના પડખે થઈ ગયા તેથી ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યો પણ સત્તામાં આવ્યા પછી ભાજપે કદી આ વચન ના પાળ્યું. છેક ૧૧ વરસે મોદી સરકારે એ વચન પાળીને લોકોને મોટી રાહત આપેલી.
નિર્મલા સીતારામને બે વર્ષ પહેલાં જાહેર કરેલા આવકવેરાના ન્યુ રીજિમમાં ૭.૨૦ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહોતો અને આ વરસે આ મર્યાદા વધારીને સીધી ૧૨ લાખ રૂપિયા કરી દેવાઈ. તેમાં સ્ટાન્ડર્ડ ડીડક્શનના ૭૫ હજાર રૂપિયા ઉમેરો તો હવે ૧૨.૭૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. મહિનાની એક લાખ ને છ હજાર રૂપિયા સુધીની આવક હોય તો એક પૈસો પણ ઈન્કમટેક્સ પેટે નહીં ચૂકવવો પડે તેના કારણે મધ્યમ વર્ગને ભારે રાહત થઈ ગઈ છે.
મોદી સરકારે ગયા વરસે લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી આયુષ્માન યોજનાનો લાભ ૭૦ વર્ષથી વધારે ઉંમરનાં લોકોને આપવાનો નિર્ણય લઈને મધ્યમ વર્ગને મોટી રાહત આપી હતી. મધ્યમ વર્ગને ઘરના વડીલોનો દવાઓ અને સારવારનો ખર્ચ આકરો પડતો હતો. આયુષ્માન યોજનામાં એ લાભ નહોતો મળતો તેથી મધ્યમ વર્ગ પરેશાન હતો. મોદી સરકારે એ પરેશાની દૂર કરી દીધી.
મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના અને આઠમું પગાર પંચ સહિતના મોટા નિર્ણયો પણ લીધા પણ તેનો લાભ માત્ર સરકારી કર્મચારીઓને મળવાનો છે જ્યારે આવકવેરામાં તથા જીએસટીમાં રાહત તમામ લોકોને મળશે.

ચમત્કાર વિના નમસ્કાર નથી.
મોદી સરકારે મધ્યમ વર્ગ પર મહેરબાન છે તેનું કારણ લોકસભાનાં ચૂંટણી પરિણામો છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ૨૪૦ બેઠકો મળી પછી ભાજપને અહેસાસ થયો કે, મધ્યમ વર્ગને હવે લાંબો સમય મૂર્ખ બનાવી શકાય તેમ નથી. હિંદુત્વની વાતોથી આકર્ષાઈને મધ્યમ વર્ગનાં લોકોએ બે વાર મત આપ્યા પણ મધ્યમ વર્ગ માટે કશું ના કરાતાં નારાજ થઈને દૂર થઈ રહ્યો છે. આ વર્ગની નારાજગી એ હદે ભારે પડી કે, ભાજપ સંપૂર્ણ બહુમતી ના મેળવી શક્યો. ભાજપને મોટો ફટકો ઉત્તર પ્રદેશમાં પડ્‌યો પણ બીજાં રાજ્યોમાં પણ થોડી ઘણી અસર તો વર્તાઈ જ હતી ને તેનું કારણ મધ્યમ વર્ગની નારાજગી હતી.
મોદી સરકારે ખેડૂતોને દર ચાર મહિના ખાતામાં બે-બે હજાર રૂપિયા જમા કરાવવાની સ્કીમ લાગુ કરી દીધી, ગરીબોને છેક ૨૦૨૯ સુધી મફત અનાજ આપવાનું એલાન કરી દીધેલું જ્યારે ભાજપની વફાદાર મતબેંક મનાતા મધ્યમ વર્ગને કશું ના આપ્યું. સત્તા માટે અપાયેલાં વચનોને પણ ભાજપે ભૂલાવી દીધેલાં તેથી મધ્યમ વર્ગે ભાજપને ચમકારો બતાવી દીધો. આ ચમકારો ફરી ના અનુભવવો પડે એટલે ભાજપની સરકાર મધ્યમ વર્ગ પર મહેરબાન છે.

ભવિષ્યમાં જીએસટી સાવ નીકળી જાય એવું બને?
કોઈને અત્યારે આ વાત કહેતા બી દીવાના ઓર સુનતા બી દીવાના જેવી લાગશે પણ ભારતમાં માત્ર જીએસટી જ નહીં પણ ઈન્કમટેક્સ, એક્સાઈઝ સહિતના બધા કરવેરા નાબૂદ થઈ શકે છે. ભૂતકાળમાં આ દિશામાં વિચારણા પણ થઈ હતી પણ એ વાતો કાગળ પર રહી ગઈ ને અમલ ના થયો.
ભારતમાં પહેલાં ચીજ-વસ્તુઓ પર સેલ્સ ટેક્સ લાગતો ને પછી વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) આવેલો. વેટના સ્થાને પછી ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવ્યો પણ સેલ્સ ટેક્સ લાગતો હતો એ વખતે એટલે કે અટલ બિહારી વાજપેયીના સમયમાં પર્સનલ ઈન્કમટેક્સ, સેલ્સ ટેક્સ સહિતના તમામ કરવેરા સંપૂર્ણ નાબૂદ કરવાની વિચારણા થઈ હતા. તેના સ્થાને ગુડ્‌સ કન્ઝમ્પશન ટેક્સ (જીસીટી) અને બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ (બીટીટી) લાદવાનાં સૂચન થયાં હતાં. વાજપેયી સરકારે આ દિશામાં ગંભીરતાથી વિચારણા પણ કરેલી પણ ૨૦૦૪ની ચૂંટણીમાં વાજપેયી સરકાર ઘરભેગી થતાં આખી વાત ભૂલાઈ ગયેલી.
ગુડ્‌સ કન્ઝમ્પશન ટેક્સ (જીસીટી)નો કન્સેપ્ટ ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) જેવો જ હતો કેમ કે તેમાં લોકો ચીજ-વસ્તુઓ કે સેવા વાપરે તેના પ્રમાણમાં ટેક્સ લેવાની દરખાસ્ત હતી. ગરીબોના વપરાશની બધી ચીજોને જીસીટીમાંથી બાકાત રાખવાની અને મધ્યમ વર્ગ વધારે વાપરતો હોય એવી ચીજો પર મધ્યમ ટેક્સ લગાવવાની દરખાસ્ત હતી. ધનિકો વાપરે એ લક્ઝુરીયસ ચીજો પર ઉંચો ટેક્સ લેવાનું સૂચન પણ કરાયું હતું પણ તેના કારણે ઉદ્યોગપતિઓ અને ધનિકો નારાજ થઈ જાય એ ડરે વાજપેયી સરકાર આગળ ના વધી.
બેંકમાં થતા દરેક ટ્રાન્ઝેક્શન પર બેંક ટ્રાન્ઝેક્શન ટેકસ (બીટીટી) લઈને તમામ પ્રકારના ટેક્સ લાદવાની દરખાસ્ત પણ રજૂ કરાયેલી. બીટીટી બેંકને લગતા દરેક વ્યવહાર પર લગાવવાનો વિચાર તેમાં કેન્દ્રસ્થાને હતો. એટીએમમાંથી રૂપિયા ઉપાડો, સેલેરી ઉપાડો કે ચેક લખો તો પણ બીટીટી લગાવવાનો.
અર્થશાસ્ત્રીઓના મતે, કેન્દ્ર સરકાર માત્ર એક ટકા બીટીટી લગાવે તો પણ એટલી જંગી આવક થાય કે બીજા કોઈ કરની જરૂર જ ના પડે. બીટીટીથી કરચોરી પણ સાવ ઘટી જાય કેમ કે બેંક જ સીધી ટેક્સ કાપી લેવાની છે. બીટીટીના કારણે સરકારનો ખર્ચ પણ ઘટે કેમ કે ટેક્સ કર્મચારીઓની જરૂર ઓછી પડે.
ભારત જેવા વધારે વસતી ધરાવતા દેશોને દેશ ચલાવવા અને વિકાસ કાર્યો માટે માટે જંગી નાણાં જોઈએ તેથી કોઈ ને કોઈ રીતે ટેક્સ વસૂલવો જરૂરી છે પણ જીએસટીના બદલે જીસીટી કે બીટીટીથી પણ આવક થઈ જ શકે. ભવિષ્યની કોઈ સરકાર આ દિશામાં ફરી વિચારે તો જીએસટી નાબૂદ થઈ જાય એ શક્ય છે.