ગયા અંકમાં ગામડાઓનો ઉદય એ વિષય ઉપર હડપ્પા, મોહેંજા દડો, લોથલ વિગેરે
સાંસ્કૃતિક વારસાની વાત ઈતિહાસના પાનાઓ ઉપરથી સંકલીત કરીને પ્રસ્તૃત કરી હતી. ક્રમશઃ બીજા ભાગમાં આજે આપણે મૌર્ય યુગ અને ગુપ્ત યુગના ગામડાઓની સમસ્યાઓ અને વિકાસની વાત સંકલિત કરવાના છીએ. હું ઈતિહાસનો જાણકાર છું એવું જરાપણ માનશો નહિ. વાંચીને તેના અંશો રજૂ કરી રહ્યો છું. કારણ કે કુંટુબ પરિવાર, સમાજ જ્ઞાતિ, દેશ પોતાની સંસ્કૃતિ, વારસો અને ઈતિહાસ ભુલે છે. કાળ ક્રમે તેનો નાશ થાય છે. મૌર્ય યુગની સ્થાપના ઈ.સ. પૂર્વે ૩રરથી ૧૮પ માનવામાં આવે છે. ઈતિહાસના પાનાઓ એવું કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્યની સહાય, મદદથી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેઓ પ્રથમ ભારતીય શાસક હતા જેમણે પોતાના સામ્રાજ્યમાં આખા ઉપખંડને એક શાસક હેઠળ લાવવાનો પ્રયત્ન કર્યો. કહેવાય છે કે, તક્ષશિલા વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ દરમ્યાન ચાણક્ય સાથે તેમનો ભેટો થયો. પોતાના રાજ્યની શાસન વ્યવસ્થામાં રાજ્યપાલ, ગુપ્તચર તંત્ર, કર વસુલી, વેપાર નિયંત્રણો સાથે ધર્મની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી હતી. નગર વ્યવસ્થામાં પણ તેઓ મોખરે રહ્યા છે. આપણે સાંભળતા આવ્યા છીએ કે રાજતંત્ર ઉપર ધર્મસત્તા હોય છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજસત્તા ઉપર ધર્મસત્તા હતી અને જૈન ધર્મના ચુસ્ત ઉપાસક હતા. ભારતમાં રાજકીય એકતા અને શાસન વ્યવસ્થાનો પાયો નાખવાનું કામ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યએ કર્યું હતું. સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, કલા, સ્થાપત્ય અને તર્કશાસ્ત્રનો વિકાસ આ સમય દરમ્યાન થયો હતો. ભારતના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય કર્ણાટકના શ્રવણબેલ ગોલા ખાતે ઉપવાસ દરમ્યાન પોતાનો દેહ ત્યાગ કર્યો એમ ઈતિહાસ નોંધે છે.
ત્યાબાદ સમુદ્રગુપ્ત શાસનકાળ ઈ.સ.૩૩પથી ૩૭પ માનવામાં આવે છે. ઈતિહાસના મહાન અને વિખ્યાત શાસક હતા. તેઓ ગુપ્ત વંશના સૌથી શક્તિશાળી અને સફળ શાસક તરીકે ઓળખાય છે. દેશના મોટા ભાગના વિસ્તાર ઉપર પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. પ્રયાગ પ્રશસ્તી એટલે અલ્હાબાદના લેખ ઉપરથી જાણી શકાય છે. સમુદ્રગુપ્ત સફળ મહાન રાજવી ઉપરાંત સફળ સેનાપતિ અને કવિ પણ હતા. સ્સમુદ્રગુપ્તના દેહાવસાન બાદ ચંદ્રગુપ્ત દ્વિતીય (વિક્રમાદિત્ય) રાજગાદી ઉપર બેઠા હતા. વિક્રમાદિત્ય દ્વિતીયએ દક્ષિણ ભારતના વિવિધ શાસકો ઉપર ચડાઈ કરીને પોતાની પકડ મજબુત બનાવી હતી. તેમના સમયમાં કલા, સ્થાપત્ય અને સાહિત્યનો વિકાસ થયો હતો.
આપણી પાસે વિકાસ, વિશ્વાસ અને દિશા આપનારો યુગોનો વારસો હતો છતાં પણ આપણી વ્યવસ્થા અને તંત્ર તેના સદાચાર અને સદ્ગુણોનો ઉપયોગ કરવામાં ઉણા ઉતર્યા છે.