કેરળના પલિયમ ઇમામ વી.પી. સુહૈબ મૌલવીની અપીલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જે સાંપ્રદાયિક સંવાદિતા અને ભાઈચારોનું એક અનોખું ઉદાહરણ સ્થાપિત કરે છે. તેમણે આગામી અટ્ટુકલ પોંગલા તહેવાર નિમિત્તે હિન્દુ ભક્તો માટે મસ્જીદો અને મુસ્લિમ ઘરો ખોલવાનું આહ્વાન કર્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા વપરાશકર્તાઓ આ પહેલને “કેરળની સાચી વાર્તા” તરીકે પ્રશંસા કરી રહ્યા છે.
વાસ્તવમાં, અટ્ટુકલ પોંગલ એ કેરળના તિરુવનંતપુરમમાં અટ્ટુકલ ભાગવતી મંદિરમાં ઉજવાતો ૧૦ દિવસનો પ્રખ્યાત તહેવાર છે. આ વર્ષે ૩ માર્ચે આવતા અટ્ટુકલ પોંગલને વિશ્વભરમાં સૌથી મોટા મહિલા તહેવારોમાંનો એક માનવામાં આવે છે. વિવિધ વય જૂથોની લાખો મહિલાઓ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે રાજધાની શહેરમાં એકત્ર થાય છે.
અગાઉ, પલયમ ઇમામ દ્વારા એકતા અને આતિથ્ય માટે અપીલ કરાયેલા ભાષણને ઓનલાઇન વ્યાપક ધ્યાન મળ્યું હતું. ઇમામે વિનંતી કરી હતી કે તહેવાર માટે આવતા ભક્તો માટે મસ્જીદો અને ઘરો ખુલ્લા રાખવામાં આવે, અને પોંગલના દિવસે તેમના માટે ખોરાક અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે.
પલયમ ઇમામ ડા. સુહૈબ મૌલવીએ તેમના સંદેશમાં કહ્યું, “અટ્ટુકલ પોંગલ થોડા દિવસો દૂર છે. કારણ કે તે એક અલગ ધર્મ સાથે સંકળાયેલું છે, અમે તેના ધાર્મિક વિધિઓ અને સમારોહમાં ભાગ લેતા નથી. જા કે, ઘણી બહેનો અને બાળકો તિરુવનંતપુરમમાં મહેમાનો તરીકે આવશે. આપણે તેમનું શક્ય તેટલું શ્રેષ્ઠ સ્વાગત કરવાનો પ્રયાસ કરવો જાઈએ.”
ઇમામે વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષની જેમ, રમઝાન દરમિયાન પણ પોંગલાની ઉજવણી કરવામાં આવી રહી છે. પોંગલામાં આવતી બહેનો અને તેમના બાળકો સાથે રમઝાનના અદ્ભુત અનુભવો, તેનો આનંદ, ભાઈચારો અને પ્રેમ શેર કરવાની તક આપણને મળવી જાઈએ. તેમણે કહ્યું, “આપણે તેમને પીવાનું પાણી અને રમઝાનની સ્વાદિષ્ટ વાનગીઓ પૂરી પાડવી જાઈએ. આપણે તેમના આરામ માટે વ્યવસ્થા કરવી જાઈએ. આપણે એવી પરિસ્થિતિ બનાવવી જાઈએ કે આપણી મસ્જીદો અને ઘરો તેમના માટે સંપૂર્ણપણે ખુલ્લા હોય. આ આપણો પ્રેમ અને ભાઈચારો ખુલ્લેઆમ પ્રદર્શિત કરવાની તક છે.”
મૌલવીએ વધુ ભાર મુક્યો કે ફક્ત પ્રેમ અને ભાઈચારો જ દેશ અને વિશ્વમાં વધી રહેલા ઇસ્લામોફોબિયા અને નફરતનો અસરકારક રીતે સામનો કરી શકે છે. તેમણે આ તહેવારને સંવાદિતાના સંદેશને મજબૂત કરવાની સારી તક ગણાવી. મુસ્લિમ મૌલવીનું ભાષણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયું. વિવિધ ધર્મોના લોકોએ તેમના ભાષણની વિડિઓ કલીપિંગ્સ વિવિધ પ્લેટફોર્મ પર શેર કરી, તેમના કાર્યને વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે કેરળના સંવાદિતા અને ભાઈચારોનું સાચું ઉદાહરણ ગણાવ્યું.







































