તાજેતરના વર્ષોમાં, દેશના રાજકારણમાં મોટો ફેરફાર જાવા મળ્યો છે. રાજકારણ વધુને વધુ મહિલા કલ્યાણ પર કેન્દ્રિત થઈ રહ્યું છે, અને વિવિધ રાજ્યો સીધા મહિલા બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા માટેની યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. હવે, એક અહેવાલમાં ખુલાસો થયો છે કે દેશભરના ૧૨ રાજ્યો મહિલાઓને રોકડ ટ્રાન્સફર કરવા માટેની યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે, અને આ રાજ્યના ખજાના પર નોંધપાત્ર દબાણ લાવી રહ્યા છે.થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૧૨ રાજ્યોએ મહિલા કલ્યાણ યોજનાઓ પર ૧.૬૮ લાખ કરોડ ખર્ચ્યા હતા. આ યોજનાઓમાં મહિલાઓ માટે બિનશરતી રોકડ ટ્રાન્સફર યોજનાઓનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષ પહેલાં, દેશમાં ફક્ત બે રાજ્યો મહિલાઓ માટે રોકડ ટ્રાન્સફર યોજનાઓ લાગુ કરતા હતા. હવે, આ સંખ્યા વધીને ૧૨ થઈ ગઈ છે. અહેવાલ મુજબ, મહિલાઓ માટે બિનશરતી રોકડ ટ્રાન્સફર યોજનાઓ લાગુ કરતા ૧૨ રાજ્યોમાંથી છ રાજ્યો ખોટમાં ચાલી રહ્યા છે. જા કે, યુસીટી યોજના પરના ખર્ચને બાદ કરતાં, આ રાજ્યોના નાણાકીય સૂચકાંકોમાં સુધારો જાવા મળી રહ્યો છે.







































