ધરતી પર વર્ષાનો લીલોછમ વૈભવ પથરાયો છે. હવે એમાં ભાદ્રપદમાં સહેજ વહેલા સીધો જ અણધારી ઉષ્ણતાનો વળી પ્રવેશ થયો છે. રાત્રિઓ ટૂંકી અને સોહામણી થવા લાગી છે. આ વખતે સીધા જ વધારે વરસાદની ઝંઝાવાતી શરૂઆત થઈ ને પછી વરસાદ તોફાની બની ગયો છે. સાંજ પડે છે ને પશ્ચિમમાંથી ઠંડા પવનની લહેરો શરૂ થઈ જાય છે. કુદરતમાં વિદ્યમાન ક્રમિકતા દર્શનીય હોય છે. આ વખતે હજુય દિવસે તો સૂરજનો પરિતાપ અનુભવાય છે. હોય ઘટાદાર વડલો પણ એવા સ્વરૂપે પહોંચતા એને વરસો લાગે છે. કોઈ સતત ઘૂંટાતો શુભ વિચાર પણ એનો સાક્ષાત અમલ થતાં વરસો લે છે.
જે જેવું વિચારે છે તે તેવું પામે છે એ તો આપણી જુની ન ગણકારેલી છતાં સાવ સાચી માન્યતા છે. સહુ શ્રેષ્ઠતાઓને ચાહે છે પરંતુ વિચારલોકમાં જે આ મેજિક મિક્સ સંસાર પ્રવેશી જાય છે તે પેલી સ્વકલ્પિત શ્રેષ્ઠતાઓને દૂર ને દૂર લઈ જાય છે. જિંદગીમાં ચોતરફ ક્રમિકતા છે. કોઈ પણ સફળતાને નિરખતી વેળાએ કમાલ લાગે છે. પરંતુ એ કમાલ પાછળ કેટલી જિંદગીઓનું તપ છે એ વીસરાઈ જાય છે. માણસ જ્યારે મધ્યવયે પહોંચે છે ત્યારે એને યૌવનની શરૂઆતે થયેલી ભૂલો દેખાય છે. અભ્યાસકાળ દરમિયાન કારકિર્દી અંગે લીધેલા સાચા કે ખોટા નિર્ણયોનું પરિણામ મધ્યવયે ભોગવવાનું હોય છે અને આધેડ વયે કરેલા નિર્ણયોનું પરિણામ નિવૃત્તિ ટાણે ભોગવવું પડે છે. જેમણે વિચારશીલ અને યોગ્ય નિર્ણયો લીધા હોય તેમણે એના મીઠા ફળ માણવાના છે અને ખોટા કે ભૂલ ભરેલા અભિગમવાળા લોકોએ ભહુ સહન કરવાનું આવે છે.
જેમ કુદરતમાં એ જ રીતે અધ્યાત્મમાં પણ ક્રમિકતાનો મહિમા છે. આ દુનિયા રાતોરાતની છે જ નહિ. આજકાલ પ્રેમભૂષણજી મહારાજ તેમની કૃષ્ણકથાઓમાં એક ભક્તિગીત ગાતા રહે છે… જો કરતે રહોગે ભજન ધીરે ધીરે…. તો મિલ જાયેગા વો સજન ધીરે ધીરે… અધ્યાત્મના પ્રથમ સંસ્કાર ધૈર્ય છે. સાંઈબાબાએ એને સબૂરી કહી છે. તરત મળે એમાં જેને રસ નથી એ તપસ્વી છે. કારણ કે તપનો અર્થ તપસ્વી સમજે છે. તપ કદી વિફળ નથી હોતું પરંતુ તપની ઘનતા પર એની પરિણતી નિર્ભર છે. નિત્ય એક જ સમયે એક જ વાર પણ અણભૂલ્યે હરિનામ લેવું એ પણ એક તપ છે. કોઈ પણ તપના પહેલા પાંચ પગથિયા ચડો એટલે ખ્યાલ આવે કે સામાન્ય દેખાતા એ તપમાં તપનું તપ્ત એલિમેન્ટ શું છે ! આ દુનિયા નાના-નાના તપસ્વીઓથી ભરેલી છે. એ બધા આત્મઘોષ વિનાના તપ છે. એને ઓળખવા કે અન્ડરલાઇન કરવામાં આપણો સ્વાર્થ છે, અનુકરણાર્થેય એકાદ તપ આવડી જાય તો બેડો પાર થઈ જાય.
જે શીખવાનું છે તે શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રો તો શું શીખવું જોઈએ એના તરફનો અને એય ક્યાંક સાંકેતિક તો ક્યાંક પ્રતીકાત્મક નિર્દેશ માત્ર છે. જે શીખવાનું છે તે તો પોતાની અને બીજાઓની અણમોલ જિંદગીઓમાંથી જ શીખવાનું છે. આને આપણે લોકાનુભવ પણ કહીએ. લોકોનો અનુભવ નહિ પણ લોકો સાથેનો આપણો અનુભવ. સદગુરુ તો એકે હજારા હોય છે. તોય દત્તાત્રેયે અધિકાધિક ગુરુ ધાર્યા અને એમના સદગુણને નિજ આત્મામાં ઊંડે ઉતાર્યા. કેવી મનોહર એમની આ અધ્યાત્મવિદ્યાયાત્રા છે. એક ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું ને તરત જ તરસ વધી એટલે બીજા સદગુરુના શરણે પહોંચ્યા. એમ પુનરપિ જિજ્ઞાસા પ્રદીપ્ત થતી રહી ને સદગુરુની ઓળખ અને શરણ એ જ એમનો જીવન ક્રમ બની રહ્યો. એમની એ ચહુદિશ શોધ અને સર્વતોમુખી ગુરુભાવનું અનુશીલન જ એમને ચતુર્મુખ સ્વરૂપમાં પ્રતિષ્ઠાપિત કરે છે.
અધ્યાત્મમાં ધીરજનો મહિમા છે. એટલે જ ઉદગાતા કહે છે કે જો કરતે રહોગે ભજન ધીરે ધીરે…. ભક્તિ સ્વયં કોઈ ચમત્કારની અપેક્ષા રાખતી નથી. જેમાં ભક્તને કોઈ જ અપેક્ષા નથી એ ભક્તિ છે, અને જેમાં કોઈક ગણતરી છે એ પરમત¥વ સાથેની એક પ્રકારની સોદાબાજી છે. જો કે જે ભક્ત હોય છે એને સાંસારિક કોઈ લાભ કે કોઈ લોભની તમા હોતી નથી, કારણ કે એનાથી મુક્ત થયા પછી તો ભક્તિની શરૂઆત થાય છે. ભક્તિ કદાચ એક આયુષ્યકાળને ઓળંગીને જન્મજન્માંતર ચાલતી પ્રક્રિયા છે. કારણ કે ભક્તિ આત્માના સંસ્કાર છે. સંસારની લિપ્તતા સાથે એને બહુ ઓછો સંબંધ છે. ભક્ત સંસારથી લિપ્ત નથી, નિર્લિપ્ત છે.
આજ સુધી જે ભક્તો જોવામાં આવ્યા છે તે આ જગત સાથે ખપ પૂરતો નહિવત્ સંબંધ ધરાવે છે અને જીવનના મુખ્ય ઉપક્રમ તરીકે તેઓ પરમ ત¥વને ઉપાસે છે. એટલી હદ સુધી કે તેઓને એ જાણવામાં પણ રસ નથી કે મારી ભક્તિ પ્રભુ સુધી પહોંચે છે કે નહીં. તેઓ કદીક પ્રભુને પ્રેમપત્ર લખે છે મનોમન, પરંતુ એ પત્રનો વળી પાછો પહોંચનો કાગળ એમને મળે એવી કોઈ રાહ તેઓ જોતા નથી. એટલે જ મનુષ્યના અનેક પ્રકારના સર્વોચ્ચ ચરિત્રોમાં ભક્ત એક વિશિષ્ટ પ્રકારનું ચરિત્ર છે. ભક્તને જન્મ આપનારી માતા એટલે જ સદાય વંદનીય છે. કોઈ એવા જે ધીરે ધીરે પ્રભુ ભણી ધપતા ભક્ત હોય એની જ તો આગળ-પાછળ સકલ બ્રહ્મ ફર્યા કરે છે. ભક્ત ભક્તિથી સ્વયં જ્યારે બ્રહ્મત¥વને પામે
ત્યારે જ તો બ્રહ્મ એની પાસે લટકાં કરવા લાગે છે. અનુભવે જ નરસૈંયો કહે છે કે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે…!
વન-ઉપવનથી દૂર નીકળ્યા પછી મનુષ્યની ક્રમિક વિકાસમાં શ્રદ્ધા અને ધીરજ કંઈક ઓછાં થઈ ગયા છે. જેમનામાં ધીરજ નથી એ કદાચ ઉતાવળી જિંદગીનો યાત્રિક બની શકે, પરંતુ અધ્યાત્મના મલકમાં એને પ્રવેશ નથી. હરિના મારગમાં પરથમ પહેલું જે મસ્તક મૂકવાની વાત કરી તેમાં વીરતાની વાત તો છે જ, ઉપરાંત સમગ્ર બુદ્ધિ પ્રદેશ પડતો મૂકવાની પણ વાત છે. બહુ બુદ્ધિ અને તર્ક લડાવ્યા પછી શોર્ટકટનો કે ઉતાવળનો જન્મ થતો હોય છે એ કદાચ કવિ પ્રીતમદાસને ખબર છે. એટલે એમણે વ્યંજના રચીને માથું જ મૂકી દેવાની શરત કરી છે. ઉતાવળનું તો અહીં કોઈ કામ જ નથી. રામા રામા કરતે કરતે બીતી રે ઉંમરિયા…. એ શબરી છે. એવા જ ધીરે ધીરેના પંથપ્રવાસીઓથી સજનને મળવાના મનોરથોનો એક અલગ જ અણદેખ્યો મેળો આ જગતમાં ભરાયેલો છે.
જીવનની ક્ષણભંગુરતાનો પડઘો આમ તો કોઈ મનુષ્યને વારંવાર સંભળાતો નથી અને એને કારણે એ જીવનનો પૂરેપૂરો આનંદ લઈ શકે છે. જ્યારે એ ધવલ સ્વચ્છ અંતઃકરણમાં પોતાની જિંદગીને ફિલ્મની જેમ જુએ છે ત્યારે એમ જ માને છે કે એમાં મહાનાયક હું સ્વયં છું. હકીકતમાં આ સૃષ્ટિના સરજનહાર વિશે આપણે સંપૂર્ણ અજ્ઞાન છીએ. જિંદગી આપણે માનીએ છીએ એના કરતાં બહુ જ વધુ તકલાદી છે અને એની પ્રતીતિ છેલ્લા બે વરસમાં આખી દુનિયાને થઈ છે.
એનું કારણ છે કે સમગ્ર માનવ શરીરમાં કોઈ પણ ક્ષણે કોઈપણ વિચિત્ર ઘટના બની શકે છે. આંતરિક શરીર તો આપણે જાણતા જ નથી. એટલું જ નહીં ડોક્ટર સિવાય કોઈને રસ પણ નથી. કે આ અદ્ભુત ચમત્કાર શું છે. આપણી હયાતી અનેક સુખદ અકસ્માતોનો સરવાળો છે એટલે કે એમાં કોઈ પૂર્વ નિયોજિત યોજના હોવાની સંભાવના ઓછી છે અને આકસ્મિકતા છે. એ અનેકરંગી અનેક આકસ્મિકતાઓનો સરવાળો આપણી હયાતી છે….. તો મિલ જાયેગા સજન… અહીં સજનનો અર્થ માત્ર પ્રિયતમ કે પરમેશ્વર નથી. પરંતુ તમે જેને અને જે કંઈ ચાહો છો એ પ્રાપ્ત થઈ જવાનું વચન છે. એટલે કે ભજન ક્રમશઃ અનંતકાલીન શરૂ રાખવાની વાત છે. ભજન એટલે ઉપાસના. સંગીત કે ઈતર કલાની સાધના પણ ભજન છે. એ સાધના જ સાફલ્ય સુધી પહોંચાડે છે.
જે શીખવાનું છે તે હવે ગ્રંથોમાં નથી.
તે તો પોતાની અને બીજાઓની અણમોલ જિંદગીઓમાંથી
જ શીખવાનું છે











































