સમાજવાદી પાર્ટીના નેતા મોઈદ ખાનને અયોધ્યામાં ૧૨ વર્ષની બાળકી પર થયેલા કથિત ગેંગ રેપ કેસમાં સ્થાનિક કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. હવે, ઉત્તર પ્રદેશ સરકાર આ નિર્ણયને અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે સપા નેતાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે.
ખાસ સરકારી વકીલ વીરેન્દ્ર કુમારે શનિવારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યા ગેંગરેપ કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા મોઈદ ખાનને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહી છે. અયોધ્યાની એક ખાસ પોક્સો કોર્ટે ગુરુવારે ૧૨ વર્ષની છોકરી પર થયેલા કથિત ગેંગરેપના કેસમાં મોઈદ ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો, જ્યારે તેના ઘરના નોકરને ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તબીબી તપાસ દરમિયાન સગીર છોકરી ગર્ભવતી મળી આવી, જેનાથી રાજ્યમાં રાજકીય વિવાદ શરૂ થયો. મીડિયા સાથે વાત કરતા, ખાસ સરકારી વકીલ વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ મોઈદ ખાનને નિર્દોષ જાહેર કરવાના પોસ્કો કોર્ટના નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ કરશે. તેમણે જણાવ્યું હતું કે મોઈદ ખાનને નિર્દોષ જાહેર કરવાના કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે અને કેસ ચાલુ રહેશે.
ખાનને આ કેસમાં નિર્દોષ જાહેર કરતા, ખાસ ન્યાયાધીશ નિરુપમા વિક્રમે જણાવ્યું હતું કે ડીએનએ રિપોર્ટ સહિત રેકોર્ડ પરના પુરાવા તેના વિરુદ્ધના આરોપો સાબિત કરતા નથી. જાકે, કોર્ટે તેના ઘરના નોકર રાજુ ખાનને દોષિત ઠેરવ્યો અને તેનો ડીએનએ ગર્ભના ડીએનએ સાથે મેચ થતાં તેને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી.
દરમિયાન, પીડિતાની માતાએ પોલીસ તપાસમાં બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું કે ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો તે બેદરકારીને કારણે થયું છે. તેણીએ આરોપ લગાવ્યો કે પોલીસે મોઈદ ખાન સાથે સંકળાયેલા સમગ્ર કેસની યોગ્ય રીતે તપાસ કરી નથી. તેણીએ આરોપ લગાવ્યો કે ડીએનએ રિપોર્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. પીડિતાની માતાએ રાજુ ખાનની ૨૦ વર્ષની સજાને ગેરવાજબી ગણાવી. તેઓએ આરોપી માટે મૃત્યુદંડની માંગ કરી છે.
આ દરમિયાન, સપા નેતાના પુત્ર ઝહીર ખાને કહ્યું કે પરિવાર હાઇકોર્ટમાં એક મજબૂત કેસ તૈયાર કરી રહ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આશરે ૫૦ દુકાનો ધરાવતું બહુમાળી શોપિંગ કોમ્પ્લેક્સ, જેને કેસ પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, તે તેમના પિતાનું નહીં પરંતુ યુકેમાં રહેતા તેમના કાકા અસગર અલીનું હતું. તેમણે કહ્યું કે બુલડોઝરની કાર્યવાહીને કોર્ટમાં પડકારવામાં આવશે. ગેંગ રેપ કેસના આધારે ગેંગસ્ટર એક્ટ હેઠળ લેવામાં આવેલી કાર્યવાહીને પણ પડકારવામાં આવશે.
ઝહીર ખાને તેમના પિતાને ફસાવવા પાછળ રાજકીય દુશ્મનાવટનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે મોઈદ ખાનનું નામ શરૂઆતની એફઆઈઆરમાં નહોતું પરંતુ પાછળથી ઉમેરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે જાકે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાયલ દરમિયાન પુરાવા તરીકે આવો કોઈ વીડિયો રજૂ કરવામાં આવ્યો ન હતો.સપા સાંસદ અને અખિલેશ યાદવે કટોકટી દરમિયાન મદદ કરી ન હતી.










































