અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયના (કોથળીના) ઓપરેશન દરમિયાન એક દેવીપૂજક મહિલાનું કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પરિવારજનો અને દેવીપૂજક સમાજનો ગંભીર આક્ષેપ છે કે ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીથી નસ કપાઈ જવાથી મહિલાનું મૃત્યુ થયું છે. આ બાબતે ન્યાય મેળવવા માટે સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉમટી પડ્‌યા હતા. સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરી છે. હોસ્પિટલના જવાબદાર અને દોષિત સ્ટાફ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આ મામલે અમરેલી DySP ને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે.મહિલાના મોતને ૬ દિવસ વીતી ગયા હોવા છતાં મામલો હજુ ગૂંચવાયેલો છે. ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) કરાયા બાદ હાલ મૃતદેહ ત્યાં જ રાખવામાં આવ્યો છે. પરિવારે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી ફોરેન્સિક PM રિપોર્ટ જાહેર ન થાય અને દોષિતો સામે પગલાં ન લેવાય ત્યાં સુધી તેઓ લાશ સ્વીકારશે નહીં.