અમરેલીમાં શનિવારે વહેલી સવારે વીજળી ગુલ થઈ ગયા બાદ છે છેક સાંજના ચાર વાગે પરત ફરી હતી. જેના કારણે વેપાર ધંધાને માઠી અસર પહોંચી અને વેપારીઓમાં ભારે રોષનો માહોલ છવાયો હતો. સાત કલાક કરતા વધારે સમયથી વીજકાપ ઝીંકવામાં આવતા અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ યોગેશભાઈ કોટેચાએ જણાવ્યું કે, અમરેલીમાં શનિવારે સવારથી શહેરના મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આખો દિવસ વીજ પ્રવાહ બંધ રહ્યો હતો. ટાવર રોડ, મેઈન રોડ, હરિ રોડ સહિત શહેરના મુખ્ય વિસ્તારમાં ધંધા પણ ઠપ્પ થઈ ગયા હતા. લાંબો સમય વીજળી ગુલ થઈ જવાના કારણે વેપાર ધંધા ઉદ્યોગને ભારે માઠી અસર પહોંચી હતી. અમરેલીમાં ગુરૂવારના દિવસે વીજકાપ તો છે જ હવે શનિવારના દિવસે પણ શરૂ કરવામાં આવ્યો છે. હીરા બજારમાં પણ શનિવારે કારખાનેદારોને રજા આપવાની ફરજ પડે છે. સવારથી વીજળી ગુલ થયા બાદ છેક સાંજે ચાર વાગે પરત ફરી હતી. અધૂરામાં પુરૂ હોય તેમ રોજ બે કલાક ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય છે. છાશવારે વીજળી ગુલ થતી હોવાથી વેપાર-ધંધાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.