અમરેલી એસ.ટી. ડિવિઝનની મંડોર-સાવરકુંડલા બસની ડેકીમાંથી ગત તા.૮ના રોજ મોડી રાત્રે લાઈન ચેકિંગ દરમિયાન ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ અને બીયરના ટીન મળ્યા હતા. જેથી લાઈન ચેકિંગ ટીમે ઢસા પોલીસને જાણ કરતા ઢસા પોલીસે કંડકટર સામે ગુનો નોંધ્યો હતો. જો કે એક દિવસ બાદ વિભાગીય નિયામક દ્વારા કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાવરકુંડલા ડેપોની બસ મંડોરથી તા.૭ના રોજ ઉપડ્યા બાદ મોડી રાત્રે રઃ૩૦ વાગ્યાની આસપાસ ઢસા ચોકડીએ પહોંચતા અમરેલીની લાઈન ચેકિંગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ડેકીમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીન મળ્યા હતા. જેમાં ઢસા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કંડકટર જગદીશ ભરાડની અટકાયત કરી હતી. કંડકટરને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમનો જામીન પર છુટકારો થયો હતો. કંડકટરનો જામીન પર છુટકારો થતા જ વિભાગીય નિયામક દ્વારા તાત્કાલિક કંડક્ટર જગદીશ ભરાડને સસ્પેન્ડ કરાયો હતો. આમ, એસ.ટી.બસમાં દારૂની હેરાફેરી કરતા ડ્રાઈવર-કંડક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.








































