અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાને આજે મિશન બ્રોડગેજના પ્રતિનિધિમંડળે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં અમરેલી રેલવે બ્રોડગેજ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા અને કામગીરી ઝડપી બનાવવાની માગણી કરવામાં આવી હતી. ૧૧૨ વર્ષ જૂના અમરેલીના ઐતિહાસિક રેલવે સ્ટેશનને જાળવી રાખવાની માગણી સાથે, વર્તમાન મીટરગેજ રેલવે સેવાને પરા સ્ટેશનથી ચાલુ રાખવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત બ્રાહ્મણ સોસાયટી પાસે નવા રેલવે સ્ટેશનની શક્યતા ચકાસવાની માગણી પણ કરવામાં આવી હતી. મહુવા-સુરત-બાંદ્રા રેલવે રૂટમાં ફેરફાર કરી તેને ધોળાથી બોટાદ અને બોટાદથી ધંધુકા થઈને ચલાવવાની દરખાસ્ત મૂકવામાં આવી, જેનાથી ૨૮ કિલોમીટરનો રૂટ ઘટશે અને સુરેન્દ્રનગર-વિરમગામના લાંબા રૂટને બદલે સીધો માર્ગ મળશે. રેલવે કમિટીના સભ્ય તરીકે નિમણૂક બદલ ભરતભાઈ સુતરીયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ રજૂઆતમાં રાજેશભાઈ ગાંધી, વિપુલભાઈ ભટ્ટી, દિપકભાઈ મહેતા, હરેશભાઈ સેદાણી, અજયભાઈ અગ્રાવત, જાવેદભાઈ ખાન, પંકજભાઈ રાજ્યગુરુ અને દિલખાશભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા.