ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, લાઠી રોડ, એસ.ટી.ડિવિઝન પાછળ, સરસ્વતી સ્કૂલ સામે, અમરેલી કચેરી ખાતે તા.૦૫.૦૧.૨૦૨૬ ના રોજ સવારે ૧૦ વાગ્યે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસ કર્યો હોય તેવા સિવિલ ઈજનેર ભાગ લઈ શકશે. ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ NATS/SKILL INDIA/ MSDE/MHRD પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે સિવિલ ઈજનેર અભ્યાસક્રમમાં ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ થયાના વધુમાં વધુ ૨ વર્ષ સુધીનો સમયગાળો (વર્ષ-૨૦૨૩, વર્ષ-૨૦૨૪, વર્ષ-૨૦૨૫માં પાસ થયા હોય તે ઉમેદવારોએ જ અરજી કરવી) થયો હોય તેવા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ૧ અમરેલીની કચેરી તેમજ તેના નિયંત્રણ હેઠળની પેટા વિભાગીય કચેરીઓ જેવી કે, અમરેલી, ધારી, રાજુલા, બાબરા, લીલીયા, સાવરકુંડલા માટે એપ્રેન્ટિસ તરીકે તાલીમાર્થી માટે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેમ કાર્યપાલક ઈજનેર પી.જી. મકવાણાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.









































