અમરેલી નાગરિક સહકારી બેંક લિ. દ્વારા લોનના હપ્તા ભરવામાં અનિયમિતતા દાખવનાર ત્રણ ડીફોલ્ટરો સામે ચેક રિટર્ન થવા સબબ ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બેંકની આ કડક કાર્યવાહીને પગલે લોનના હપ્તા, વ્યાજ ભરવામાં કે સી.સી. રિન્યુ કરવામાં આળસ કરતા અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બેંક દ્વારા આગામી સમયમાં વધુ કડક પગલાં લેવાના સંકેત પણ આપવામાં આવ્યા છે. જે લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં નિર્મળકુમાર અશોકભાઈ શુકલ (રહે. બ્લોક નં. ૯૦૮, ખોડીયાર સોસાયટી, લીલીયા રોડ, મુ. અમરેલી) – રૂપિયા ૩,૩૭,૦૦૦ નો ચેક, શાહનવાજ ઈકબાલભાઈ કુરેશી (રહે. મીની કસબા, શેરી નં. ૨, તારવાડી રોડ, મુ. અમરેલી) – રૂપિયા ૧,૬૦,૦૦૦ નો ચેક અને સાહીલ ઈકબાલભાઈ કુરેશી (રહે. મીની કસ્બા, શેરી નં. ૨, તારવાડી રોડ, મુ. અમરેલી) – રૂપિયા ૧,૦૦,૦૦૦ બાકી લેણાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી થતા અન્ય એવા લોન બાકીદારો કે જેઓ હપ્તા ભરવામાં કે સી.સી. રિન્યુ કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે તેમનામાં ફફડાટ વ્યાપી ગયો છે. બેંકની રિકવરીની કામગીરી અંગે દેખરેખ રાખનાર ડિરેક્ટર પી.પી. સોજીત્રાની યાદી જણાવે છે કે હજુ પણ ટૂંક સમયમાં એવા સી.સી. ધારકો કે જેઓ લાંબા સમયથી સી.સી. રિન્યુ કરાવતા ન હોય કે વ્યાજ અને સ્ટોકપત્રક નિયમિત આપતા ન હોય, તેઓની સામે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર વસૂલાત અંગેના સખ્ત પગલાં ભરવામાં આવશે.