અમરેલી જિલ્લા મધ્યસ્થ જેલમાં બંદીવાનોને આગામી એક વર્ષ સુધી પ્રતિદિન યોગ શીખવાડવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત યોગ દ્વારા બંદીવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. યોગ અભ્યાસના કારણે બંદીવાનોના જીવનમાંથી નકારાત્મકતા દૂર થતી જોવા મળી છે તેમજ ભાવનાત્મક સંતુલન અને માનસિક શાંતિમાં વધારો થયો છે. યોગના નિયમિત અભ્યાસથી બંદીવાનોમાં જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે અને તેમના જીવનમાં નવી દિશા તરફનું પરિવર્તન શક્ય બનતું હોવાનું અનુભવાઈ રહ્યું છે. અમરેલી જિલ્લા જેલમાં અગાઉ યોજાયેલી યોગ શિબિરોની સકારાત્મક અસરને કારણે બંદીવાનોએ યોગ ટ્રેનર બનવા માટેની તાલીમ મેળવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. આ દિશામાં બંદીવાનો દ્વારા આવેદન કરવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર સાગર મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાએ થયેલા એમ.ઓ.યુ. અનુસાર આગામી ૩૧ ડિસેમ્બર સુધી અમરેલી સહિત સમગ્ર રાજ્યની જેલોમાં યોગ શિક્ષણ કાર્યક્રમ સતત યોજાશે.









































