અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ માત્ર હળવા ઝાપટા પડી રહ્યા છે. વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે મુશ્કેલી અનુભવી રહ્યો છે. હાલ વરસાદના અભાવે ખેડૂતોનો પાક મૂરઝાઇ રહ્યો છે,ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે પોતાના બોર પર આધાર રાખવો પડે છે ત્યારે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે કે જિલ્લાના ખેડૂતોએ કપાસ,મગફળી સોયાબીન સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. વરસાદના અભાવે પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે તો હાલ સરકાર તરફથી ૮ કલાક વીજળી આપવામાં આવે છે તેના બદલે જો અમરેલી જિલ્લાના ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવામાં આવે તો નિષ્ફળ જતા પાકને બચાવી શકાય. તેવી રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી હતી. જે રજૂઆત અન્વયે ઉર્જા મંત્રીએ ખેડૂતોના હિતમાં યોગ્ય કરવાની ખાતરી આપી હતી.