અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએે મહેર કરી છે. બપોર બાદ ખાંભા, સાવરકુંડલા, અમરેલી, રાજુલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં બપોર બાદ અર્ધો ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. અમરેલી તાલુકાના ચક્કરગઢ સહિત ગામોમાં પણ વાવાણી લાયક વરસાદ પડ્યો છે. સાવરકુંડલામાં પણ સાંજના સમયે વરસાદનું આગમન થયું હતું અને એકાદ ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોર બાદ અઢી ઈંચ જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે અમરેલી જિલ્લામાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા પડી રહ્યા છે જેના કારણે જિલ્લામાં સાર્વત્રિક વાવણી થઈ શકે તેમ નથી. જગતનો તાત વાવણીલાયક વરસાદની રાહમાં છે.