મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે અમરેલી જિલ્લામાં માર્ગોના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમરેલી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત શરૂ કરવામાં આવી છે. આગામી સાત દિવસમાં જિલ્લાના ૭૪ કિમી લંબાઈના ૯૬ વિવિધ માર્ગોની મરામત માટેના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ચોમાસામાં નુકસાન પામેલા માર્ગો પર ડામર અને મેટલ પેચવર્ક તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માટીકામ અને રાહદારીઓને અડચણરૂપ વૃક્ષોને દૂર કરવાની કામગીરી પણ ચાલી રહી છે. અમરેલી માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર ચૌધરીએ આ માહિતી આપી હતી.