અમરેલી શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જાહેર માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિકમાં અવરોધ ઊભો કરતા અને લોકોની સુરક્ષા જોખમાય તે રીતે વાહન ઉભા રાખતા ચાલકો સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. ઘણીવાર મુખ્ય બજાર અને વ્યસ્ત રોડ રસ્તાઓ પર ચાલકો પોતાનું વાહન ગમે ત્યાં ઉભું રાખી દેતા હોય છે. આને કારણે માત્ર ટ્રાફિક જામ નથી થતો, પરંતુ અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જોખમ ઊભું થાય છે. પોલીસ દ્વારા હવે આવા ‘રોડ સાઈડ’ ર્પાકિંગ અને જોખમી રીતે વાહન ઉભા રાખનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ કામગીરીને પગલે આડેધડ વાહન ઉભા રાખતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.








































